દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર પ્લેનમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે ધ્રુવ રાઠી સહિત અનેક નેતાઓની અટકાયત કરી છે.
દિલ્હી પોલીસે CJPના ટોચના નેતાઓની અટકાયત કર્યા બાદ, સંગઠન દ્વારા અભિજિત દીપકેનો પહેલેથી રેકોર્ડ કરાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દીપકે સ્પષ્ટ કહે છે કે જો આ વીડિયો લોકો સુધી પહોંચે, તો તેનો અર્થ એ સમજવો કે તેઓ અને તેમના સાથીઓ અટકાયતમાં લેવાયા છે. આવી સ્થિતિમાં, સંગઠનના રાષ્ટ્રીય સંગઠન ઇન્ચાર્જ અજિંક્ય શિંદે આ આંદોલનનું નેતૃત્વ કરશે. દીપકેએ તમામ સમર્થકોને અજિંક્ય શિંદેના નેતૃત્વમાં આગળ વધવાની અપીલ કરી છે.
CJP દ્વારા દિલ્હીના જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોટા આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટેની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો. છતાં CJP નેતાઓએ પીછેહઠ ન કરતાં શુક્રવારે સવારે મુંબઈથી ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં લેન્ડિંગ થતાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, યુટ્યુબર ધ્રુવ રાઠી અને CJPની લીગલ ટીમનાં વડા રત્ના સિંહ સહિતના લોકોને પણ પોલીસે અટકાયતમાં લીધા છે.
35 વર્ષીય અજિંક્ય શિંદે મહારાષ્ટ્રના લાતુરના નિવાસી છે. તેમણે રાયગઢની ડૉ. બાબાસાહેબ આંબેડકર ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (DBATU)માંથી B.Techની ડિગ્રી મેળવી છે. ઑગસ્ટ મહિનામાં અભિજિત દીપકેએ તેમને CJPના રાષ્ટ્રીય સંગઠન ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ સંગઠનના અગ્રણી નેતાઓમાંના એક છે. તેમણે ચાલુ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં CJPના આંદોલનનું સફળ આયોજન કર્યું હતું, જેનાથી તેઓ મુંબઈમાં એક મુખ્ય ચહેરો બનીને ઉભર્યા હતા. દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવાના હેતુથી ચલાવવામાં આવેલા CJPના 'સ્કૂલ ઠીક કરો' અભિયાનનું નેતૃત્વ પણ તેમણે જ કર્યું હતું.
CJP આંદોલનની કમાન સંભાળતા જ અજિંક્ય શિંદેએ સંગઠનની મુખ્ય માંગણીઓ દોહરાવી: 1) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું આપે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે. 2) વર્ષ 2025ની મતદાર યાદીઓને ફ્રીઝ (સ્થગિત) કરવામાં આવે. 3) ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના વર્ષ 2023ના કાયદાને નાબૂદ કરવામાં આવે.