નવી દિલ્હીના પ્રેસ ક્લબ ખાતે ગુરુવારે કોકરોચ જનતા પાર્ટી (CJP), AISA અને અન્ય વિદ્યાર્થી સંગઠનો તેમજ સિવિલ સોસાયટી દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં બાંગ્લાદેશ આંદોલન અંગેના નિવેદન પર ભારે હોબાળો થયો હતો.
પરિષદમાં CJP સંયોજક અભિજીત દીપકે, AISA પ્રમુખ નેહા બોરા, આઈશી ઘોષ, પ્રશાંત ભૂષણ અને પ્રકાશ રાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ ચૂંટણી પંચ અને સરકાર સામે મોરચો માંડીને 16 ઓક્ટોબરે દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં પ્રદર્શનની જાહેરાત કરી હતી.
જંતર-મંતર પર ગેરકાયદે પ્રવેશ અને ‘બેલ બોન્ડ’ના ઉલ્લંઘનના આરોપમાં CJPના સહ-સંયોજકો સૌરભ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડના વિરોધમાં અને તેમના સમર્થનમાં આ બેઠકનું આયોજન થયું હતું.
તમામ નેતાઓ વારાફરતી પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ખુરશી પર ઊભા થઈને નેહા બોરાના બાંગ્લાદેશ અંગેના નિવેદન પર અચાનક સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. આ સવાલ પૂછાતાં જ પ્રેસ કોન્ફરન્સમાં ભારે વિવાદ વકર્યો હતો.
નેહા બોરા પોતાનું વક્તવ્ય પૂરું કરી રહ્યા હતા ત્યારે હોબાળો શરૂ થયો હતો અને સભાગૃહમાં હાજર કેટલાક લોકોએ ‘બંધ કરો, દફા થઈ જાઓ’ જેવા શબ્દો કહ્યા હતા. પરિસ્થિતિ વણસતાં નેહા બોરાએ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી સંચાલકોને હંગામો કરનારાઓને બહાર કાઢવા અપીલ કરી હતી.
આ દરમિયાન અભિજીત દીપકેએ માઈક સંભાળીને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 'આ લોકોને 50-100 રૂપિયાની નોટ આપીને બહાર કાઢો, તેઓ માત્ર આટલા પૈસા માટે જ આવી હરકતો કરી રહ્યા છે.' નેહા બોરાએ પણ ઉમેર્યું હતું કે તેઓ સ્ટુડિયોમાં જે શીખે છે તે જ અહીં આવીને કરી રહ્યા છે.
નેહા બોરાનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે બાંગ્લાદેશના વિદ્યાર્થી આંદોલન અને ભારતના જેન-ઝી આંદોલન વચ્ચે સમાનતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, જેન-ઝી આંદોલનની શરૂઆત બાંગ્લાદેશમાં થઈ હતી અને માર્ગ બતાવવા બદલ તેમને લાલ સલામ પાઠવ્યા હતા, જેને ટાંકીને આ સવાલો થયા હતા.
નેહા બોરાએ ધરપકડ કરાયેલા પત્રકારો પ્રત્યે સમર્થન વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પ્રેસ કાર્ડ હોવા છતાં રિપોર્ટરોને માર મારવામાં આવ્યો અને કેમેરા છીનવી લેવાયા હતા. મહિલા પત્રકારો સામે થયેલી કથિત છેડતી મામલે ફરિયાદ કરવા જતાં તેમની સામે જ વળતી FIR નોંધી દેવાઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો.
પોલીસ ન્યાય માંગનારા નાગરિકોને નિશાન બનાવી રહી હોવાનો આક્ષેપ કરતાં તેમણે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે જણાવ્યું કે બેંગલુરુના ફ્રીડમ પાર્ક, દિલ્હીના જંતર-મંતર અને મુંબઈના શિવાજી પાર્ક સહિત દેશના અલગ-અલગ વિસ્તારોમાં આ સંઘર્ષ સતત જીવંત રહેશે.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આકરો પલટવાર કરતાં આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણીઓમાં સતત હારી રહેલો વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવી રહ્યો છે અને દેશદ્રોહીઓ વિદેશી તાકાતોના હાથે વેચાઈ ગયા છે.