સત્ય. સાહસ. સંકલ્પ.

CJPનું 10 દિવસમાં રાજસ્થાનથી મહાવિરોધનું એલાન, દિલ્હીમાં પરવાનગી ન મળે તો દેશભરમાં આંદોલન

CJPનું 10 દિવસમાં રાજસ્થાનથી મહાવિરોધનું એલાન, દિલ્હીમાં પરવાનગી ન મળે તો દેશભરમાં આંદોલન

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ધરપકડની માંગણી સાથે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)એ હવે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. પાર્ટીએ ચેતવણી આપી છે કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની મંજૂરી નહીં મળે તો આગામી 10 દિવસમાં રાજસ્થાનથી શરૂ કરીને દેશના મુખ્ય શહેરોમાં એકસાથે આંદોલન છેડવામાં આવશે.

જયપુરમાં સોમવારે (12 ઓક્ટોબર) યોજાયેલી પત્રકાર પરિષદમાં CJPના રાષ્ટ્રીય પ્રવક્તા દીપક બાલિયાને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલું આંદોલન કોઈપણ સંજોગોમાં પાછું ખેંચવામાં આવ્યું નથી કે મુલતવી પણ રાખવામાં આવ્યું નથી.

બાલિયાને કહ્યું કે CJP કોઈ પણ રાજકીય પક્ષની ‘બી-ટીમ’ નથી, પરંતુ દેશના જાગૃત અને શિક્ષિત યુવાનોનો અવાજ છે. લોકશાહી મૂલ્યોની રક્ષા માટે યુવાનો રસ્તા પર ઉતરવા તૈયાર છે.

પત્રકાર પરિષદમાં પ્રવક્તાએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો કે વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે સમગ્ર દિલ્હીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. દેશભરમાંથી શાંતિપૂર્ણ રીતે આવી રહેલા સામાન્ય કાર્યકરો અને યુવાનોને રોકવા માટે ટ્રેનો અને બસોને અટકાવવામાં આવી રહી છે. કોઈપણ વાંક વગર લોકોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી રહી છે, જે ભારતીય લોકશાહી અને બંધારણ માટે શરમજનક છે.

તેમણે ઉમેર્યું કે જો સરકાર આ નીતિ ચાલુ રાખશે, તો CJP તમામ રાજ્યોના મુખ્ય શહેરોમાં એકસાથે વિરોધ પ્રદર્શન શરૂ કરશે. પરિણામે દેશનું દરેક મોટું શહેર દિલ્હીના જંતર-મંતરમાં ફેરવાઈ જશે.

CJP પ્રવક્તાએ આગામી રણનીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે હાલમાં રાજસ્થાનથી આંદોલનની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો દિલ્હીમાં જંતર-મંતર પર ધરણાં કરવાની પરવાનગી નહીં મળે, તો આગામી 10 દિવસમાં રાજસ્થાનમાં ચૂંટણી પંચ વિરુદ્ધ મોટું જનઆંદોલન શરૂ કરવામાં આવશે. કાર્યકરો કોઈપણ કિંમતે દિલ્હીના જંતર-મંતર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે દિવસે તેઓ દિલ્હી પહોંચશે, તે જ દિવસથી જંતર-મંતર ખાતે અનિશ્ચિતકાલીન વિરોધ શરૂ કરી દેવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સામાન્ય જનતાનો અવાજ બુલંદ કરવા માટે આ આંદોલન છેવટ સુધી ચાલુ રહેશે તેવી ખાતરી તેમણે આપી હતી.

વિપક્ષી એકતા અંગે દીપક બાલિયાને જણાવ્યું કે કોંગ્રેસ સહિત દેશના તમામ વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનરની કાર્યશૈલી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. લોકશાહી બચાવવા માટે બધાએ સાથે મળીને લડવું પડશે. તેમણે કહ્યું કે એક સામાન્ય અને મહત્વપૂર્ણ મુદ્દા પર જ્યારે આટલા બધા પક્ષો લડી રહ્યા છે, ત્યારે બધા સાથે મળીને વિરોધ કરે તો આંદોલન વધુ મજબૂત અને પ્રભાવશાળી બનશે. તેથી સંયુક્ત આંદોલનની પહેલ કરવી જરૂરી છે.

CJPએ મીડિયા મારફતે કોંગ્રેસ હાઈકમાન્ડને સંદેશો પાઠવ્યો છે કે તેઓ બધા વિપક્ષોને એક મંચ પર લાવવાની પહેલ કરે. સાથે જ કોંગ્રેસ પાર્ટી CJPના પ્રતિનિધિઓને ચર્ચા માટે મળવાનો સમય ફાળવે, જેથી સંયુક્ત રણનીતિ નક્કી થઈ શકે.