દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મંગળવારે જંતર-મંતર પરથી અટકાયત કરી છે. તેઓ પોતાના કેટલાક સાથીઓ સાથે જંતર-મંતર પહોંચ્યા હતા અને હાથમાં તિરંગો લહેરાવીને નારાબાજી કરી રહ્યા હતા.
વાસ્તવમાં, કેન્દ્ર સરકારે સોમવારે જંતર-મંતરને દિલ્હીના નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દીધું હતું. ગૃહ મંત્રાલયે રચેલી સમિતિની ભલામણના આધારે હવે રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વી દિલ્હીના CBD ગ્રાઉન્ડને પ્રદર્શન માટે મંજૂર સ્થળો તરીકે રાખવામાં આવ્યા છે. આ વર્ષે રામલીલા મેદાન ફક્ત 29થી 31 ડિસેમ્બર સુધી જ ખાલી છે.
પોલીસે જંતર-મંતરની આસપાસ બેરિકેડિંગ કરી રાખ્યું હતું અને બધા ગેટ બંધ કરી દીધા હતા. તેમ છતાં પ્રદર્શનકારીઓ ગેટ ઉપર ચઢીને અંદર પહોંચ્યા હતા. પોલીસે તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
આ પહેલાં રવિવારે CJP નેતાઓ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જંતર-મંતર પર પ્રદર્શન માટે તારીખ તથા સમય નક્કી કરવા પોલીસને જણાવ્યું હતું. પાર્ટીએ 24 કલાકમાં જવાબ આપવાની માંગ કરી હતી. સૌરવ દાસે કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવું દરેક નાગરિકનો અધિકાર છે અને પોલીસે તેમાં કોઈ અવરોધ ન કરવો જોઈએ. આશુતોષ રાંકાએ કહ્યું હતું કે 24 કલાકમાં જવાબ ન મળે તો પાર્ટી આગામી આંદોલનની તારીખ જાહેર કરશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 10 ઑક્ટોબરે પાર્ટીના પ્રદર્શન દરમિયાન પણ CJP નેતાઓની ફ્લાઇટમાંથી અટકાયત કરવામાં આવી હતી.