સત્ય. સાહસ. સંકલ્પ.

CJP નેતાઓની અટકાયત બાદ અજિંક્ય શિંદેને સંભાળ્યું નેતૃત્વ, પ્રશાસન પર ગંભીર આરોપો

CJP નેતાઓની અટકાયત બાદ અજિંક્ય શિંદેને સંભાળ્યું નેતૃત્વ, પ્રશાસન પર ગંભીર આરોપો

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ટોચના નેતાઓની પોલીસે અટકાયત કરી છે. પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાની અટકાયત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનાક્રમ વચ્ચે પાર્ટીનું નેતૃત્વ મહારાષ્ટ્રના યુવા નેતા અજિંક્ય શિંદેના હાથમાં આવ્યું છે.

અજિંક્ય શિંદેએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે પોલીસ અને પ્રશાસનની કાર્યવાહી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું, "આજ સવારથી અમારો કે CJPના અન્ય કોઈ સભ્યનો અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકા સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી."

તેમણે વધુમાં જણાવ્યું કે, "અમને કે અમારા પક્ષના વકીલોને એ પણ જાણ કરવામાં આવી નથી કે આ ત્રણેય નેતાઓને અટકાયતમાં લઈને અત્યારે ક્યાં રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં અમે તેમની સલામતીને લઈને ચિંતિત છીએ."

અજિંક્ય શિંદેએ પોલીસ પર ભાવનાત્મક ત્રાસ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું, "અમારા નેતા અભિજીત દિપકેની દાદીનું આજે જ અવસાન થયું છે. આવા શોકના સમયે પણ પોલીસે અભિજીતને તેમના વકીલ કે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરવાની મંજૂરી આપી નથી. ઓછામાં ઓછું તેમને પરિવાર સાથે બે મિનિટ વાત કરવાની છૂટ મળવી જોઈએ."

નેતાઓની અટકાયતની પદ્ધતિ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, "આ નેતાઓને તેમની ફ્લાઇટમાંથી જ સીધા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જો તેમણે કલમ 163નું ઉલ્લંઘન કર્યું હોત અથવા રસ્તા પર ઉતરીને ગેરકાયદેસર વિરોધ કર્યો હોત, તો પોલીસ તેમને પકડે તે સમજી શકાય. પરંતુ ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે અટકાયત કરવાનો શું અર્થ છે? શું હવે લોકોને મુસાફરી કરતા પણ અટકાવવામાં આવશે? અમે આ પ્રકારનો ભાવનાત્મક ત્રાસ સહન નહીં કરીએ."

ઉલ્લેખનીય છે કે, CJPના ટોચના નેતાઓની ગેરહાજરીમાં શનિવારે યોજાનારા 'જંતર-મંતર 2.0' વિરોધ પ્રદર્શનની જવાબદારી અજિંક્ય શિંદેએ પોતાના શિરે લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ તેઓ કરશે.

કોણ છે અજિંક્ય શિંદે? 35 વર્ષીય અજિંક્ય શિંદે મૂળ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઔસા તહસીલના ઉજની ગામના વતની છે. સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપવા માટે તેમણે કમ્પ્યુટર એન્જિનિયર તરીકેની કારકિર્દી છોડી દીધી હતી. હવે દેશભરની નજર એ વાત પર રહેશે કે તેમના નેતૃત્વમાં આ આંદોલન કઈ દિશા પકડે છે.