દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ગુરુવારે રાજૌરી ગાર્ડન ખાતેની પોતાની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે.
સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 7 દિવસની કસ્ટડી બાદ દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાંથી જામીન મળ્યા છે. બંનેને 50 હજાર રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે 13મી ઓક્ટોબરે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન બંનેની ધરપકડ કરી હતી.
આ પહેલાં 12મી ઓક્ટોબરે સરકારે જંતર-મંતર પર પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં 13મી ઓક્ટોબરે આશુતોષ અને સૌરવ તિરંગો લઈને ત્યાં પહોંચ્યા હતા. શાંતિ ભંગ કરવાના આરોપમાં તેમને પાંચ દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. પછી 19મી ઓક્ટોબરે તેમની કસ્ટડી વધુ બે દિવસ લંબાવવામાં આવી હતી. આ પહેલાં બુધવારે દિલ્હી હાઈકોર્ટે આ મામલે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પહેલાં મેજિસ્ટ્રેટનો નિર્ણય આવવા દે, ત્યાર બાદ જરૂર પડે તો ઉપલી કોર્ટનો સંપર્ક કરી શકાય.
CJP ના સ્થાપક અભિજીત દીપકેએ સૌરવ અને આશુતોષની મુક્તિ બાદ કહ્યું કે બંને તેમનાથી વધુ સારા અને ઘણા મોટા નેતાઓ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેઓ સૌરવ અને આશુતોષના આદેશો માનવા પણ તૈયાર છે.
દિલ્હી પોલીસે બંને નેતાઓ સાથે જોડાયેલા જંતર-મંતર કેસને પણ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધો છે. આ પહેલાં કનોટ પ્લેસમાં નોંધાયેલો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. હવે બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે.
આ દરમિયાન, પીપલ અગેન્સ્ટ SIR ગઠબંધન 23મી ઓક્ટોબરે દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન કરશે. તેમાં અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર, અભિનેતા પ્રકાશ રાજ અને અભિજીત દીપકે સામેલ થશે. આ પ્રદર્શન ગયા અઠવાડિયે 200થી વધુ સંગઠનોની બેઠક બાદ રચાયેલા ગઠબંધન દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ મંચમાં નાગરિક સમાજ, ખેડૂત યુનિયનો, મજૂર સંગઠનો તેમજ મહિલા અને યુવા સંગઠનોને સામેલ કરવામાં આવ્યા છે.
આજે સાંજે INDIA બ્લોકના નેતાઓ ઓનલાઇન બેઠક કરશે. તેમાં મત ચોરી વિરુદ્ધ પ્રદર્શન અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને આગળની રણનીતિ પર ચર્ચા થશે.