સત્ય. સાહસ. સંકલ્પ.

જંતર-મંતર કેસ: હાઈકોર્ટે CJP નેતાઓને પૂછ્યું, 'તમે જીવનમાં બીજું શું કરો છો?'

જંતર-મંતર કેસ: હાઈકોર્ટે CJP નેતાઓને પૂછ્યું, 'તમે જીવનમાં બીજું શું કરો છો?'

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન બાદ અટકાયતમાં લેવાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ દિલ્હી હાઈકોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) દ્વારા આપવામાં આવેલા કસ્ટડી ઓર્ડરને પડકારતી આ અરજી પર હાઈકોર્ટે આકરા સવાલો ઉઠાવ્યા હતા.

બુધવારે સુનાવણી દરમિયાન CJP નેતાઓ તરફથી હાજર રહેલા વકીલ અભીક ચિમનીએ બેન્ચને જણાવ્યું કે તેઓ અરજી પાછી ખેંચી રહ્યા છે. તે પહેલાં અદાલતે પૂછ્યું હતું કે SEM સમક્ષ સુનાવણીની રાહ જોયા વગર અને બીજા કાનૂની રસ્તા અજમાવ્યા વગર અરજદારો સીધા બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટમાં કેમ આવ્યા.

હાઈકોર્ટે નોંધ્યું કે બંને નેતાઓએ જંતર-મંતર ખાતે બળજબરીથી ઘૂસીને અને ઝંડો લહેરાવીને બીજી વખત શાંતિ જાળવવાના બોન્ડનો ભંગ કર્યો છે. અદાલતે પૂછ્યું કે આવી સ્થિતિમાં તંત્રને તેમની સામે વધુ કડક પુરાવા માંગવાનો હક કેમ ન હોય? કોર્ટે કહ્યું કે SEMના 19 ઑક્ટોબરના આદેશને સીધો હાઈકોર્ટમાં પડકારવાને બદલે સેશન્સ કે અપીલ કોર્ટ સમક્ષ પડકારવાનો વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હતો. વળી, મેજિસ્ટ્રેટ સમક્ષ કસ્ટડી સંબંધિત કાર્યવાહીમાં શું નિર્ણય આવે છે તે જોવાનું પણ બાકી હતું.

સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રસાદે અરજદારોના વકીલને સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ઉંમર પૂછી. વકીલે જણાવ્યું કે તેમની ઉંમર અનુક્રમે 27 અને 31 વર્ષ છે. ત્યારે જજે ટિપ્પણી કરી કે, "તો તમે જેન-ઝી (Gen Z) નથી?" જસ્ટિસ પ્રસાદે સ્પષ્ટતા કરી કે શરૂઆતનું આંદોલન વિદ્યાર્થીઓ અને યુવા પેઢી સાથે જોડાયેલું હતું, પરંતુ હવે ચહેરા એ જ જૂના લોકોના છે ત્યારે મૂળ હેતુ બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે.

જસ્ટિસ પ્રસાદે વધુમાં સવાલ ઉઠાવ્યો કે અચાનક જ તેઓ 'શાસન પરિવર્તન' (Regime Change) અને બેલેટની વાતો કરવા લાગ્યા છે. "આખરે તમારો વાસ્તવિક હેતુ શું છે? તમે તમારા સામાન્ય જીવનમાં આ સિવાય બીજું શું કરો છો? અમારે હવે આ તમામ પ્રશ્નોની ઊંડાણમાં તપાસ કરવી પડશે," એમ અદાલતે જણાવ્યું.

સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ 14 ઑક્ટોબરે જંતર-મંતર ખાતે સુરક્ષા કોર્ડન તોડીને ઘૂસવાના આરોપસર કરવામાં આવી હતી. સોમવારે SEMએ તેમની કસ્ટડી વધુ બે દિવસ લંબાવી હતી, જેથી તેમની કુલ કસ્ટડી સાત દિવસની થઈ છે.

દિલ્હી પોલીસના એસીપી રેન્કના અધિકારી અને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રિતુ રાજે સહી કરેલા આદેશમાં નોંધ્યું છે કે બંનેનું વર્તન "વિશ્વાસપાત્ર" નથી, તેઓ કાયદા પ્રત્યે કોઈ સન્માન ધરાવતા નથી અને પ્રતિબંધિત વિસ્તારમાં વારંવાર પ્રદર્શનોનું આહવાન કરવાની ટેવ ધરાવે છે.