સત્ય. સાહસ. સંકલ્પ.

CJP નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાયો

CJP નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાયો

દિલ્હીમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) સામે વિરોધ પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે આ કેસ હવે ક્રાઈમ બ્રાંચને સોંપ્યો છે અને બંને નેતાઓની કસ્ટડી બે દિવસ માટે લંબાવી છે. આગામી સુનાવણી 21 ઓક્ટોબરે થશે.

CJPએ 10 ઓક્ટોબરે SIR વિરુદ્ધ પ્રદર્શનનું એલાન કર્યું હતું. દિલ્હીમાં લેન્ડિંગ થતાં જ સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અભિજિત દીપકની અટકાયત કરવામાં આવી હતી. જંતર-મંતરને પ્રતિબંધિત વિરોધ સ્થળોની યાદીમાંથી હટાવવા છતાં આ નેતાઓ દીવાલ કૂદીને ત્યાં પહોંચ્યા હતા અને તિરંગો ફરકાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.

આ કેસમાં અન્ય નેતા અજિંક્ય શિંદેને 5,000ના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાંકા અને દાસની કસ્ટડી લંબાવાતા આગામી સુનાવણી 21 ઓક્ટોબરે હાથ ધરાશે.

CJP પ્રમુખ અભિજિત દીપકે (જેમને 17 ઓક્ટોબરે કનોટ પ્લેસ ખાતે તિરંગો ફરકાવવાના એલાન બાદ અટકાયતમાં લઈને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા) જણાવ્યું છે કે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ જેલમાંથી બહાર આવ્યા બાદ જ પક્ષ આગામી રણનીતિ તૈયાર કરશે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર લોકો અને વિરોધ પક્ષોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે અને ગેરકાયદેસર રીતે અટકાયત કરી રહી છે.

આ મામલે CJPએ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાથે પણ સલાહ-સૂચન કર્યા છે. પક્ષના કાનૂની બાબતોના વડા રત્ના સિંહે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ની અદાલતની કાર્યવાહીને 'સર્કસ' ગણાવી છે અને દાવો કર્યો છે કે નેતાઓને જેલમાં રાખવા માટે કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહે કહ્યું કે SEM કોર્ટની નિષ્પક્ષતા જોખમાઈ ગઈ હોવાથી તેને નાબૂદ કરી દેવી જોઈએ.