દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના મામલે દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) સામે કાર્યવાહી કરી છે. પોલીસે CJPના સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્યા શિંદેની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નેતાઓ પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને ભારે બેરિકેડિંગ તોડીને જંતર-મંતર પર પહોંચ્યા હતા. આ ઘટના બાદ વગર પરવાનગીના જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશ કરવા બદલ આ નેતાઓ અને સંગઠનના અન્ય સભ્યો સામે FIR નોંધવામાં આવી છે.
આ FIRમાં અગાઉ શાંતિ જાળવવા માટે આપવામાં આવેલા પીસ બોન્ડની શરતોના ભંગ અંગેની કલમો પણ સામેલ છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે CJPના કાર્યકર્તાઓએ સુરક્ષા ઘેરાને વટાવીને જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
CJPની લીગલ હેડ રત્ના સિંહે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સૌરવ, આશુતોષ અને અજિંક્યાને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ રજૂ કરવામાં આવશે, કારણ કે 24 કલાકની સમયસીમા પૂરી થવા જઈ રહી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓને દ્વારકા જિલ્લાના જાફરપુર કલાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં CJPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ જતાં આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે 11 ઓક્ટોબરે એક સ્થાયી આદેશ જાહેર કરીને રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી મેદાનને ધરણા-પ્રદર્શન માટેના નવા નિર્ધારિત સ્થળો તરીકે સૂચિબદ્ધ કર્યા છે અને જંતર-મંતરને આ યાદીમાંથી હટાવી દીધું છે. CJPના જણાવ્યા મુજબ આ જાહેરાત 12 ઓક્ટોબરે કરવામાં આવી હતી અને સંગઠનનો દાવો છે કે તે જ દિવસે તેમના પ્રતિનિધિઓ શાંતિપૂર્ણ પ્રદર્શન માટે તારીખ અને સમય નક્કી કરવા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.