કોકરોચ જનતા પાર્ટીએ (CJP) કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર 'જેન-ઝી' (Gen Z) પેઢીથી ડરી ગઈ છે અને દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવી છે. CJPએ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શન સવારે 10 વાગ્યાથી શરૂ થવાનું છે.
CJPએ પોસ્ટર બહાર પાડીને કાર્યકર્તાઓ અને નાગરિકોને સવારે 10 વાગ્યે જંતર-મંતર પર ભેગા થવાની અપીલ કરી છે. જોકે, દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટે પરવાનગી આપી નથી.
CJPના સ્થાપક અભિજિત દીપકે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓને રોકવા માટે લોકોના અવર-જવર પર નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું, 'જો તમે યુવાનોથી આટલા ડરો છો, તો આખો દેશ જ બંધ કરી દો.'
દીપકે 10 ઑક્ટોબરે સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાના નિર્ણયની પણ ટીકા કરી હતી.
CJPના સૌરવ દાસે દેશની વર્તમાન સ્થિતિની સરખામણી ઈમરજન્સી સાથે કરી હતી. તેમણે દાવો કર્યો કે ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે, તો કેટલાકને ઘરમાં નજરકેદ કરી દેવાયા છે. દાસે કહ્યું, 'કોઈ ભ્રમમાં ન રહો. દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે અને દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવાયું છે.'
ઉલ્લેખનીય છે કે CJP મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે. તેમનો આરોપ છે કે SIRમાં અનિયમિતતાઓ થઈ છે. આ જ મુદ્દે વિપક્ષ પણ સતત રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યો છે.