કોકરોચ જનતા પાર્ટી (CJP) એ રવિવારે જણાવ્યું છે કે મુંબઈ પોલીસે 2 ઓક્ટોબરે યોજાનારા પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણય બાદ પાર્ટીએ ચેતવણી આપી છે કે જો મંજૂરી નહીં મળે તો તેઓ ગાંધી જયંતિના દિવસે મુંબઈમાં 'જેલ ભરો આંદોલન' કરશે.
પાર્ટીના સંસ્થાપક અભિજિત દિપકેએ કહ્યું કે, 'મતદાનનો અધિકાર છીનવી લીધા બાદ હવે શાંતિપૂર્ણ પ્રદર્શનનો અધિકાર પણ છીનવાઈ રહ્યો છે.' તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં આક્ષેપ કર્યો કે પોલીસનો આ નિર્ણય જનતાને તેમની વાત રજૂ કરતા રોકવાનો પ્રયાસ છે.
ઉલ્લેખનીય છે કે, CJP એ 2 ઓક્ટોબરે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ માંગ કરી હતી કે જો ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર 26 સપ્ટેમ્બર સુધીમાં રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. આ પ્રદર્શન ચૂંટણી પંચની કાર્યશૈલી અને તેના નિર્ણયો સામેના વિરોધમાં મુંબઈથી શરૂ થવાનું હતું.
બીજી બાજુ, મુંબઈ પોલીસે હાઈકોર્ટના 4 જાન્યુઆરી, 2013ના પીઆઈએલ (PIL) અને મહારાષ્ટ્ર સરકારના 20 જાન્યુઆરી, 2016ના આદેશનો હવાલો આપીને સ્પષ્ટ કર્યું છે કે શિવાજી પાર્ક ખાતે કોઈપણ પ્રકારની સભા કે પ્રદર્શન માટે મંજૂરી આપવાનો અધિકાર તેમની પાસે નથી. પોલીસે અરજદાર અજિંક્ય શિંદેને આ અંગે નોટિસ આપી જણાવ્યું છે. પોલીસે સૂચન કર્યું છે કે તેઓ મુંબઈમાં અન્ય કોઈ યોગ્ય જગ્યા શોધીને ત્યાં મંજૂરી માટે નવી અરજી કરે, જેના પર નિયમો અનુસાર વિચારણા કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે શિવાજી પાર્ક સાયલન્સ ઝોન અને રહેણાંક વિસ્તાર છે, જ્યાં આવા પ્રદર્શનથી લોકોને ભારે અસુવિધા થઈ શકે છે.