સત્ય. સાહસ. સંકલ્પ.

મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30 આદિવાસી બાળકોના મોત બાદ CJP વડાએ વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું

મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30 આદિવાસી બાળકોના મોત બાદ CJP વડાએ વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું

મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વ્યંગ્યાત્મક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, 'હું તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું. અંતમાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે તેમણે મને મધ્ય પ્રદેશની જનતાની સેવા કરવાનો અવસર આપ્યો.'

આ પોસ્ટ સાથે તેમણે એક પત્ર પણ શેર કર્યો છે, જે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને સંબોધિત છે. પત્રમાં સરકારી પ્રતીક, મુખ્યમંત્રી કાર્યાલયનું સરનામું અને હસ્તાક્ષર પણ છે. જોકે, આ પત્ર વ્યંગ્યાત્મક છે અને તેમાં અભિજિત દીપકેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નથી.

દીપકેએ આ પોસ્ટ બાલાઘાટ પ્રવાસના એક દિવસ પછી કરી છે, જ્યાં તેમણે 30થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તે સમયે કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે તેમની કાર પાસે પહોંચીને વિરોધ કર્યો હતો અને તીખા સવાલો પૂછ્યા હતા.

પત્રમાં દીપકેએ લખ્યું છે કે, 30થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ તેમની અંતરાત્મા આ પદ પર બની રહેવાની પરવાનગી આપતી નથી. તેમણે આરોગ્ય, શિક્ષણ, વીજળી અને અનુસૂચિત જનજાતિ સામેના અપરાધો જેવા મુદ્દા ઉઠાવીને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

દીપકેએ પીડિત પરિવારોને આપવામાં આવેલા વળતર પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, શરૂઆતમાં બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી હતી, જેને આદિવાસી સમુદાયના વિરોધ બાદ વધારીને ચાર લાખ રૂપિયા કરાયું. તેમણે સવાલ કર્યો કે, જો મૃત્યુ પામનારા બાળકો મંત્રીઓ કે ધારાસભ્યોના હોત તો શું ચાર લાખ રૂપિયાનું વળતર પૂરતું ગણાત?

બાલાઘાટમાં બૈગા અને ગોંડ આદિવાસી સમુદાયના 30થી વધુ બાળકોના મોતનો મામલો મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યો છે. અહેવાલો મુજબ બાળકોના મોત ઓરી અને મલેરિયા જેવા ચેપી રોગોના કારણે થયા હોવાની શંકા છે. હાઈકોર્ટે આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બાલાઘાટ કલેક્ટર પાસે જવાબ માંગ્યો છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે, 50 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં આશરે 400 બાળકોની સારવાર કરવામાં આવી રહી હતી.