દિલ્હીમાં શુક્રવારે આયોજિત 'લહરા દો તિરંગા' વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126/170 હેઠળ પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ધરપકડ પહેલાં તેમને બે નોટિસ પાઠવી હતી અને કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક તરફ જવાની મનાઈ ફરમાવી હતી. પોલીસનું કહેવું છે કે તેમણે અગાઉ આપેલા 'પીસ બોન્ડ'ની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. અભિજિત દીપકેને શનિવારે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બીજી તરફ, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ની રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોહરાને શનિવારે વહેલી સવારે અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. AISAના જણાવ્યા અનુસાર, પ્રદર્શન પહેલાં અટકાયતમાં લેવાયેલા નેહા બોહરાને આર.કે. પુરમ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને કલાકો સુધી અલગ-અલગ જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. મુક્ત થયા બાદ નેહા બોહરાએ કહ્યું કે, "દેશમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે. કયા નિયમ કે આદેશ હેઠળ લોકોને આખી રાત અટકાયતમાં રાખવા યોગ્ય છે? સૂર્યાસ્ત પછી મહિલાઓને અટકાયતમાં રાખી શકાતી નથી, તેમ છતાં નિયમો નેવે મૂકાયા. દિલ્હી પોલીસે મને કલાકો સુધી કાનૂની સલાહકાર કે વકીલ સાથે વાત કરવા દીધી નહોતી."
અભિજિત દીપકેની ધરપકડ બાદ કૉકરોચ જનતા પાર્ટી (CJP)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પોલીસ કાર્યવાહીનો સખત વિરોધ નોંધાવ્યો છે. પક્ષે આ ધરપકડને ગેરવાજબી ગણાવીને દીપકેને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી છે.