દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આવતીકાલે જંતર-મંતર ખાતે યોજાનારા પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી. પોલીસનું કહેવું છે કે પ્રદર્શન માટે નિયમ મુજબ 10 દિવસ પહેલાં સૂચના આપવામાં આવી નથી.
દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર નૂપુર પ્રસાએ જણાવ્યું કે જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે માર્ગદર્શિકા અનુસાર આયોજિત વિરોધ પ્રદર્શન માટે 10 દિવસ અગાઉ સૂચના આપવી જરૂરી છે. વધુમાં, તે વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ છે, જે હેઠળ પાંચ કે તેથી વધુ લોકો એકઠા થઈ શકતા નથી. નિયમનો ભંગ થાય તો કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રદર્શનને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર આવતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો આવતીકાલે રદ રહેશે. મીડિયા અહેવાલો અનુસાર, રેલવેએ આ ટ્રેનોને તેમના પ્રારંભિક સ્ટેશનો પરથી જ રદ કરી દીધી છે.
પોલીસે પ્રદર્શન પહેલાં 57 મેટ્રો સ્ટેશનો બંધ કરવાનો અને 10 ડિટેન્શન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. હોટેલો અને ગેસ્ટ હાઉસોમાં પણ પોલીસ તપાસ કરી રહી છે. રજિસ્ટર ચકાસીને મહેમાનોના આઈડી અને વિગતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને 8થી 11 ઑક્ટોબર વચ્ચે રોકાયેલા લોકોના રેકોર્ડ પર નજર રાખવામાં આવી છે. જો રૂમ કોઈ અન્ય વ્યક્તિએ બુક કરાવ્યો હોય અને તેમાં બીજું કોઈ રોકાયું હોય તો આવા કેસોની સઘન તપાસ થઈ રહી છે.
બસ ઓપરેટરો અને તેમની બુકિંગ પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી નવી દિલ્હી તરફ લોકોની ભીડ એકત્ર થતી રોકી શકાય. રેલવે સ્ટેશનો અને એરપોર્ટની આસપાસ પણ મોટા જૂથોમાં આવનારા લોકો પર પોલીસ કડક નજર રાખી રહી છે.
બીજી તરફ, CJPએ આરોપ લગાવ્યો છે કે પ્રદર્શન પહેલાં દેશભરમાં તેમના સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે. ગુરુવારે રાત્રે CJPએ જણાવ્યું કે પુણેના વિદ્યાર્થીઓને દિલ્હી જતી વખતે રસ્તામાં જ કસ્ટડીમાં લેવામાં આવ્યા અને બસમાંથી અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા. CJPએ મધ્ય પ્રદેશનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ચાલતી બસમાં યુવાનોને બતાવવામાં આવ્યા છે. એક યુવકે દાવો કર્યો કે તેને મધ્ય પ્રદેશ પોલીસે કસ્ટડીમાં લીધો છે. CJPએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કાર્યકર્તાઓના ઘરે જઈને પરિવારોને ડરાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે CJPએ જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં 2 ઑક્ટોબરે મુંબઈમાં અને 8 ઑક્ટોબરે બેંગલુરુમાં પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તા અભિજિત દીપકેએ બેંગલુરુમાં પ્રદર્શન પહેલાં સોશિયલ મીડિયા પર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે સત્તા તમારી પાસે હોઈ શકે છે, પરંતુ રસ્તાઓ અમારા છે. તેમણે દાવો કર્યો કે 10 ઑક્ટોબરના પ્રદર્શન પહેલાં મોટી સંખ્યામાં લોકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.
આયોજકોનું કહેવું છે કે તેઓ 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે પ્રદર્શન કરશે.