સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા કોર્ટથી મુક્ત, ધ્રુવ રાઠી પણ છૂટ્યો

દિલ્હીમાં CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા કોર્ટથી મુક્ત, ધ્રુવ રાઠી પણ છૂટ્યો

દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શનને લઈને ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. CJPના સ્થાપક અભિજીત દીપકે, પાર્ટી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી કેન્ટ સ્થિત ACM કોર્ટ (એગ્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. CJPના લીગલ હેડ રત્ના સિંહે તેમની મુક્તિની પુષ્ટિ કરી હતી.

આ પહેલાં શનિવારે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ, CJPના કાર્યકરો અને અનેક નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. CJPના નેતા અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે પોલીસ કાર્યવાહી છતાં સંગઠન પાછળ હટશે નહીં. આ ઉપરાંત, યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ દિલ્હી પોલીસે રાત્રે જ કસ્ટડીમાંથી મુક્ત કરી દીધા છે. જોકે, જો તેઓ ફરીથી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે, તો તેમની સામે ફરી કાર્યવાહી થઈ શકે છે.

દરમિયાન, દિલ્હીમાં આજે 30 મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે કનોટ પ્લેસ અને જંતર-મંતર સહિતના કેટલાક વિસ્તારોમાં શનિવાર જેવી જ સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે નવી દિલ્હી અને મધ્ય દિલ્હીમાં સંભવિત પ્રતિબંધોને લઈને ચેતવણી જાહેર કરી છે.

ટ્રાફિક પોલીસે રેલવે સ્ટેશન, આંતરરાજ્ય બસ ટર્મિનલ અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને મુસાફરી માટે વધારાનો સમય લઈને નીકળવાની સલાહ આપી છે. સાથે જ બિનજરૂરી મુસાફરી ટાળવા પણ અપીલ કરવામાં આવી છે.