સત્ય. સાહસ. સંકલ્પ.

મહિલા પત્રકાર સાથે છેડતી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ, સોમવારે 12 વાગ્યા સુધીમાં ACP વિરુદ્ધ FIRની માંગ

મહિલા પત્રકાર સાથે છેડતી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ, સોમવારે 12 વાગ્યા સુધીમાં ACP વિરુદ્ધ FIRની માંગ

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલા પત્રકાર સાથે કથિત છેડતીની ઘટના સામે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હી પોલીસને કડક ચેતવણી આપી છે. CJPના સહ-સંયોજક સૌરભ દાસે કહ્યું છે કે જો સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં સંબંધિત ACP વિરુદ્ધ FIR નહીં નોંધાય, તો પત્રકારો અને અન્ય પ્રદર્શનકારીઓ ફરી પોલીસ સ્ટેશન પર જઈને FIRની કોપી લઈને જ પાછા ફરશે.

સૌરભ દાસે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસ ACP વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચી રહી છે અને તેમને રક્ષણ આપી રહી છે. તેમણે જણાવ્યું કે પીડિત મહિલા પત્રકાર અને અન્ય લોકો ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કરી રહ્યા હતા, છતાં પોલીસે કોઈ પગલાં લીધાં નહોતા. જ્યારે અમે સમર્થન માટે પહોંચ્યા ત્યારે પણ પોલીસે FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો. આથી સોમવારે બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને સમયમર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ વિવાદ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને ચાલી રહેલા દેખાવો વચ્ચે વધુ વકર્યો છે. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે 3 ઓક્ટોબરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બનેલી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે તમામ ફરિયાદો અને કેસ કમલા માર્કેટ સ્થિત ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.