દિલ્હી: જંતર-મંતર પર પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ત્રણ શીર્ષ નેતાઓ—અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ—ને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. રવિવારે તેમને ખાસ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા. ત્રણેયને એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરતે 50,000 રૂપિયાના બોન્ડ પર મુક્તિ આપવામાં આવી.
મુક્તિ બાદ અભિજીત દીપકે પોતાના દાદીના અંતિમ સંસ્કાર માટે મહારાષ્ટ્રના હિંગોલી સ્થિત ગામ તરફ રવાના થઈ ગયા, જ્યારે આશુતોષ રાંકા અને સૌરવ દાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં સૌરવ દાસે આક્ષેપ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ઈશારે CJP કાર્યકર્તાઓ સાથે ભારે બર્બરતા કરવામાં આવી છે. તેમણે માનવાધિકાર આયોગની ભૂમિકા પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું તે સૂઈ ગયા છે? તેમણે કહ્યું કે જ્ઞાનેશ કુમારને બચાવવા માટે જ પીએમ મોદી અને શાહના ઈશારે આ રીતે લોકોની અટકાયતો કરવામાં આવી રહી છે. દેશમાં હાલ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના સમયગાળા કરતાં પણ ખરાબ ઈમરજન્સી જેવી સ્થિતિ છે.
સૌરવ દાસે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે તેમની ધરપકડ નહીં, પરંતુ અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના મોબાઈલ ફોન સીઝ કરીને હેક કરી લેવામાં આવ્યા હતા.
આશુતોષ રાંકાએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર આક્ષેપ કર્યો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમને બચાવી રહ્યા છે અને જ્ઞાનેશ કુમાર માત્ર ભાજપને જિતાડવા માટે જ કામ કરી રહ્યા છે.
CJPએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકારના શાસનમાં દેશે કાગળ પરની કટોકટી (ઈમરજન્સી)ને પણ પાછળ છોડી દીધી છે.