સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં CJP-AISA નેતાઓની અટકાયત, ક્યાં છે અભિજિત દીપકે અને નેહા બોરા?

દિલ્હીમાં CJP-AISA નેતાઓની અટકાયત, ક્યાં છે અભિજિત દીપકે અને નેહા બોરા?

દિલ્હીમાં શુક્રવારે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના પ્રમુખ નેહા બોરાની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. બંને 'લહેરા દો તિરંગા' પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે આ પગલું ભર્યું હતું. અભિજિત દીપકેને કનોટ પ્લેસ અને નેહા બોરાને મંડી હાઉસથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

અટકાયત બાદ બંને સંગઠનોએ તેમના નેતાઓ ક્યાં છે તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. CJPનું કહેવું છે કે પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. સંગઠનનો આક્ષણ છે કે તેમને તેમના વકીલો કે સાથીદારોને મળવા દેવામાં આવી રહ્યા નથી.

AISAએ આરોપ લગાવ્યો છે કે તેમની પ્રમુખ નેહા બોરાને પહેલા મંગોલપુરી સ્થિત એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સમાં એકલા રાખવામાં આવ્યા હતા અને બાદમાં કોઈ અજ્ઞાત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. રાત્રે 8 વાગ્યા સુધી પણ નેહા બોરા સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. સંગઠને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે પોલીસ વકીલોને પણ મળવા દેતી નથી.

CPI(M)ના સાંસદ જોન બ્રિટાસે આ મામલે દિલ્હી પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે AISAના અંજલિએ તેમને ફોન કરીને માહિતી આપી હતી કે નેહા બોરાને મંડી હાઉસ ખાતેથી પોલીસે અટકાયતમાં લીધી છે. નેહાનો ફોન પણ તેમની પાસે નથી અને હાલ તેઓ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી.

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલીને પણ અભિજિત દીપકે અને નેહા બોરાની અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓને અટકાયતમાં રાખ્યા બાદ તેઓ ક્યાં છે તેની માહિતી ન આપવી તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અમાનવીય છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે બંને નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને શાંતિપૂર્ણ પ્રદર્શનોને દબાવવાનું બંધ કરવામાં આવે.