નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રમુખ અભિજિત દીપકેએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે તીવ્ર આક્ષેપો કર્યા છે. તેમણે જ્ઞાનેશ કુમારને 'દેશના દુશ્મન' ગણાવતા કહ્યું કે તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા, પરંતુ ચૂંટણીની પટકથા લખી રહ્યા છે.
આ પ્રહારો એક મીડિયા રિપોર્ટ બાદ આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન 10 મહિનામાં 14 વખત ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, આ વાંધાઓને ધ્યાનમાં ન લઈને કેટલાક નિર્ણયો લાગુ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.
દીપકેએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે SIR પ્રક્રિયામાં 12 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ સંખ્યા 2024ની લોકસભા ચૂંટણીમાં કુલ 97 કરોડ મતદાતાઓના 12.4 ટકા થાય છે. તેમણે કહ્યું કે NDA અને વિપક્ષ વચ્ચે માત્ર 2 ટકાનું અંતર છે, તેથી આટલા મોટા પાયે નામ કાઢવા ચિંતાનો વિષય છે.
CJPના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પણ જ્ઞાનેશ કુમાર પર પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું, 'જ્યારે દેશનો ઇતિહાસ લખાશે, ત્યારે લોકતંત્રને બરબાદ કરનારા લોકોની યાદીમાં જ્ઞાનેશ કુમારનું નામ ટોચ પર હશે.' તેમણે દીપકેની પોસ્ટ શેર કરતા ઉમેર્યું, 'આ કહેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ કે જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે.'
આ મુદ્દે વિપક્ષી પક્ષોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. 'INDIA' ગઠબંધનથી અલગ થઈ ચૂકેલી આમ આદમી પાર્ટી (AAP)એ વિપક્ષી એકતાની અપીલ કરી છે. AAPના દિલ્હી પ્રદેશ સંયોજક અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તમામ વિપક્ષી પક્ષોએ ચૂંટણી આયોગ સાથે જોડાયેલો આ મુદ્દો ઉઠાવવો જોઈએ અને પંચને 'વ્યવસ્થિત' કરવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે બાકીના મુદ્દાઓની ચર્ચા પછી થશે.
ઉલ્લેખનીય છે કે, SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ કાઢવાના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી પંચે આ આરોપોને ક્યારેય સ્વીકાર્યા નથી, પરંતુ વિપક્ષી પક્ષો સતત આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે.