નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસ સહિત 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ધરણા, પ્રદર્શન અને માર્ચ દ્વારા વિપક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
આ પછી 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓએ સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને મળવાની યોજના બનાવી હતી. નેતાઓનો આ પ્રતિનિધિમંડળ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢીને મુખ્ય ન્યાયાધીશને આવેદનપત્ર સોંપવાના હતા. તેમાં વોટ ચોરીના આરોપો, SIR પર રોક અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સામેલ હતી.
જોકે, મોડી રાત્રે સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ CJIએ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસને મોકલેલા જવાબમાં CJI સૂર્યકાંતે આ માટે કારણો પણ સ્પષ્ટ કર્યા છે.
CJIએ શું કારણો આપ્યા?
CJI તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ન્યાયિક વ્યવસ્થામાં મુખ્ય ન્યાયાધીશને રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળને મળવાનો કોઈ અધિકાર નથી. જે મુદ્દાઓ પર નેતાઓ મળવા માંગે છે તે કોર્ટમાં પેન્ડિંગ છે. આવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટ વહીવટી સ્તરે કોઈ રાજકીય પક્ષના ડેલેગેશનને મળી શકે નહીં. કોર્ટની ભૂમિકા અરજી દાખલ થવા પર સુનાવણી કરીને ચુકાદો આપવાની છે.
સુપ્રીમ કોર્ટના દરવાજા બધા માટે 24 કલાક ખુલ્લા: CJI
CJIના જવાબમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ન્યાયિક પ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક નાગરિક માટે 24 કલાક ખુલ્લા છે. કોર્ટ દરેક નાગરિકના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. જો કોંગ્રેસ આ મામલે અરજી દાખલ કરે છે, તો સુપ્રીમ કોર્ટ પેન્ડિંગ મામલાઓ સાથે મંગળવારે સુનાવણી કરવા તૈયાર છે.
લાઠીચાર્જ વિરુદ્ધ માર્ચની જાહેરાત
દરમિયાન, દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ આ માર્ચને કોઈ એક પક્ષનું પ્રદર્શન બનાવવાને બદલે દેશના નાગરિકોનો અવાજ બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકો પાર્ટી, જ્ઞાતિ, ધર્મ, લિંગ અને રાજ્યની ઓળખથી ઉપર ઊઠીને ભારતીય નાગરિક તરીકે માર્ચમાં જોડાય.