દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે અને તેમના સહયોગીઓની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
મળતી માહિતી મુજબ, અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકા દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાના હતા. પરંતુ તેઓ દિલ્હી એરપોર્ટ છોડે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેમને એરપોર્ટના ગેટ 9 પાસેથી એસ્કોર્ટ કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.
CJP દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં દેખાય છે કે વિમાન લેન્ડ થતાં જ દિલ્હી પોલીસના અધિકારીઓ વિમાનની અંદર પ્રવેશે છે અને અન્ય મુસાફરોની હાજરીમાં જ નેતાઓની અટકાયતની પ્રક્રિયા શરૂ કરે છે.
વીડિયોમાં અભિજીત દિપકે આક્રમક અંદાજમાં કહેતા સંભળાય છે, "તમે જોઈ શકો છો કે દિલ્હી પોલીસ વિમાનમાં ચઢી ગઈ છે. અમને વિમાનમાંથી નીચે ઉતરવા દેવામાં આવી રહ્યા નથી. આ સ્પષ્ટપણે સરમુખત્યારશાહી છે. ચાલો, અમારી ધરપકડ કરો. અમે અહીં ધરપકડ વહોરવા માટે જ આવ્યા છીએ." તે સમયે વિમાનની અંદર 'ભારત માતા કી જય'ના નારા પણ ગુંજી ઉઠ્યા હતા.
વાતચીત દરમિયાન દિપકે એક મહિલા પોલીસ અધિકારીને પૂછ્યું કે તેઓ વિમાનમાં કયા અધિકારથી ચઢી આવ્યા. જવાબમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. દિપકે વળતો જવાબ આપ્યો કે, "અમે પ્લેનમાંથી નીચે ઉતરીએ ત્યાર પછી તમે આ વાત કહી શકો છો."
પાર્ટી દ્વારા એક બીજો વીડિયો પણ જાહેર કરાયો છે, જેમાં CJP નેતાઓ પોલીસને પડકાર ફેંકતા કહે છે, "તમારે જે મેઇલ કરવા હોય તે અધિકારીઓને કરો. તમે મારો ફોન કઈ રીતે લઈ શકો? હું મારી બેગ મારી સાથે જ રાખીશ. તમારે જે કરવું હોય તે કરો. તમે જે ઇચ્છો તે કાયદાઓનો ઉપયોગ કરો, પછી ભલે તે NSA હોય કે UAPA. અમે તો ધરપકડ કરવા માટે જ અહીં આવ્યા છીએ."
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસે આ નેતાઓને નવી દિલ્હી વિસ્તારમાં પ્રવેશ કરવા પર પહેલેથી મનાઈ ફરમાવી હતી. આમ છતાં CJPની ટીમ પોતાના નિર્ણય પર અડગ રહી અને પીછેહઠ કરવા તૈયાર ન હતી.
ઉલ્લેખનીય છે કે, CJPના આ નેતાઓની અટકાયત પહેલાં પોલીસે જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી સહિત કેટલાક લોકોની પણ અટકાયત કરી હતી. આ ઘટનાક્રમ દર્શાવે છે કે રાજધાનીમાં વિરોધ પ્રદર્શનો અંગે પોલીસ પ્રશાસન કડક વલણ અપનાવી રહ્યું છે.