સત્ય. સાહસ. સંકલ્પ.

નાગરિકતા નક્કી કરવાનું ચૂંટણી પંચનું કામ નથી: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજનું નિવેદન

નાગરિકતા નક્કી કરવાનું ચૂંટણી પંચનું કામ નથી: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજનું નિવેદન

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ શુક્રવારે એક કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી. આ અધિકાર માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પોતાના ઘણા ચુકાદાઓમાં નાગરિકતાના કાયદાની સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધી છે.

જસ્ટિસ ધુલિયાને જુલાઈ 2025માં બિહારની મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની સુનાવણી દરમિયાન આપવામાં આવેલી તેમની ટિપ્પણી અંગે પૂછવામાં આવ્યું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે, નાગરિકતાનો મુદ્દો ગૃહ મંત્રાલય દ્વારા નક્કી થવો જોઈએ.

મતદાર યાદી અને દસ્તાવેજો અંગે તેમણે કહ્યું કે, મતદાર માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં વધારે કડક શરતો લાદવી જોઈએ નહીં. તેમણે યાદ કર્યું કે, તેમની સમક્ષ આધાર કાર્ડ અને વોટર કાર્ડ સ્વીકારવાનો મુદ્દો આવ્યો હતો. કોઈએ SIR પર રોક લગાવવાની માંગ કરી ન હતી, તેથી તેમણે રોક લગાવવાનો આદેશ આપ્યો ન હતો.

ચૂંટણી કમિશનરો અંગેના એક અહેવાલ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત ચૂંટણી પંચના નિર્ણયો સામે વાંધો નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જો ચૂંટણી પંચના નિર્ણયો માત્ર મુખ્ય ચૂંટણી કમિશનરના સ્તરે લેવાતા હોય તો તે ગંભીર બાબત છે. પરંતુ તેમણે ઉમેર્યું કે, આ અંગે હજી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ ગણાશે, કારણ કે સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ નથી.

ગોવાના 97 મતદારોના મામલે, જેમના નામ આખરી મતદાર યાદીમાં સામેલ નહોતા થયા, તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ મામલે ગોવાના મુખ્ય નિર્વાચન અધિકારીએ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો. જસ્ટિસ ધુલિયાએ સ્પષ્ટ કર્યું કે, અદાલતના આદેશની અવમાનના ત્યારે જ ગણાય જ્યારે એ સાબિત થાય કે આદેશનું જાણી જોઈને ઉલ્લંઘન થયું છે. એવું પણ બની શકે કે ચૂંટણી પંચે નિર્દેશો આપ્યા હોય, પરંતુ નીચલા સ્તરના અધિકારીએ તેનું પાલન ન કર્યું હોય. તેથી આવા મામલામાં અવમાનનાની કાર્યવાહી કરવી સરળ નથી હોતી.

જુલાઈ 2025માં જસ્ટિસ ધુલિયા અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે બિહારમાં મતદાર યાદીના SIR પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે, બેન્ચે ચૂંટણી પંચને આધાર, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો પર પણ વિચારણા કરવા જણાવ્યું હતું. શુક્રવારે પોતાના આ આદેશના સંદર્ભમાં તેમણે કહ્યું કે, તે સમયે તેઓ માત્ર એક-બે દિવસ માટે વેકેશન જજ હતા. તેમની સમક્ષ મુખ્ય સવાલ રજાઓ દરમિયાન મામલાની સુનાવણી કરવાનો હતો, તેથી તેમણે પછીના દિવસે સુનાવણી કરીને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો અંગે વચગાળાનો આદેશ આપ્યો હતો. SIR મામલે તેમની સામે સંપૂર્ણ દલીલો થઈ ન હતી, તેથી અંતિમ નિર્ણય સાથે જોડાયેલા સવાલો તે જજોને પૂછવા જોઈએ જેમણે સમગ્ર સુનાવણી સાંભળીને નિર્ણય લીધો છે.