રાજસ્થાનના ચુરુ જિલ્લામાં સાદુલપુર પાસે ગોગામેડી દર્શનાર્થે જઈ રહેલા પરિવારની કારને ટ્રકે પાછળથી ટક્કર મારતા છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો અને કારનો ડ્રાઇવર સામેલ છે. અકસ્માતમાં સાત મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને ચુરુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તારાનગર વિસ્તારના સોમસીસર ગામનો પરિવાર ગોગામેડીમાં દેવીના દર્શન કરવા જઈ રહ્યો હતો. દદરેવા ગામ પાસે પાછળથી આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારમાં સવાર લોકોને બચવાનો સમય જ મળ્યો નહોતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. દદરેવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી દીધી છે. આ દુર્ઘટનાને કારણે સોમસીસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.