અમદાવાદ: ગુજરાતી દર્શકો માટે એક આનંદના સમાચાર છે. જાણીતા ગુજરાતી નિર્માતા જેડી મજેઠિયા અને દિગ્દર્શક આતિશ કાપડિયાની જોડીએ તૈયાર કરેલી હિન્દી વેબ સિરીઝ 'ચુંબક'નો બીજો ભાગ 1 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગયો છે. આ સિરીઝના પહેલા ભાગમાં ચાર એપિસોડ હતા, જે 10 સપ્ટેમ્બરે રિલીઝ થયા હતા અને દર્શકોને ખૂબ ગમ્યા હતા. હવે બાકીના ચાર એપિસોડ પણ રિલીઝ કરવામાં આવ્યા છે.
જેડી મજેઠિયા અને આતિશ કાપડિયાની જોડીએ અગાઉ 'ખિચડી' અને 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' જેવી લોકપ્રિય કોમેડી સિરિયલો આપી છે. તેથી 'ચુંબક'ની ચાહકોને આતુરતાથી રાહ હતી. આ સિરીઝમાં અસ્સલ ગુજરાતણ માનસી પારેખ મહત્વના રોલમાં જોવા મળે છે.
સિરીઝની વાર્તા 'ચુંબક કોલોની'માં રહેતા પાડોશીઓ વિશે છે. પહેલા ભાગમાં દર્શાવવામાં આવ્યું હતું કે પાડોશીઓ એકબીજાના જીવનમાં કેવી રીતે દખલ કરે છે. મુખ્ય પાત્રો નીના ગુપ્તા અને દેવેન ભોજાણી ઉંમરના એક તબક્કા પછી છૂટાછેડા લેવાનું વિચારે છે. આ વાત સોસાયટીમાં ફેલાઈ જાય છે અને પાડોશીઓ તેમના છૂટાછેડા ન થાય તે માટે પ્રાઇવસીની હદ ઓળંગીને પણ મદદ કરવા ઉત્સુક રહે છે. આ દરમિયાન પાડોશીઓના જીવનમાં પણ ઘણા બદલાવ આવે છે.
સિરીઝમાં નીના ગુપ્તા અને દેવેન ભોજાણી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે અન્ય કલાકારોમાં અર્જુન બિજલાની, હેલી શાહ, માનસી પારેખ, સુમીત વ્યાસ, સંદીપા ધર અને ડેલનાઝ ઈરાનીનો સમાવેશ થાય છે.
માનસી પારેખે સિરીઝમાં પ્રિયંકા ખન્નાનો રોલ ભજવ્યો છે, જે મિડલ ક્લાસ હાઉસવાઇફ છે અને સતત બોલતી રહે છે. એક ઇન્ટરવ્યૂમાં માનસી પારેખે જણાવ્યું હતું કે તે રિયલ લાઇફમાં ક્યારેય આટલું બોલતી નથી, તેથી સેટ પર આટલું બોલવાથી તે થાકી જતી હતી. તેનો તકિયા કલામ 'બોલિયે બોલિયે' સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થયો છે.
ડેલનાઝ ઈરાનીએ સિરીઝમાં ગુલશન તારાપોરવાલાનું પાત્ર ભજવ્યું છે, જે સાસુના રોલમાં છે. તે મોટેથી બોલતી બિન્ધાસ્ત પારસી મહિલા તરીકે જોવા મળે છે. સિરીઝમાં ડેલનાઝ તેની વહુ હુતોક્ષી (અમાયરા દસ્તુર) સાથે નાની-નાની વાતોમાં ઝઘડતી જોવા મળે છે. હુતોક્ષી ચુંબક સોસાયટીના કિસ્સાઓ પરથી 'ધ ચુંબક ચેપ્ટર્સ' નામનું પુસ્તક લખતી હોય છે, જે ગુલશનને પસંદ નથી અને તે તેને ટોકતી હોય છે. ગુલશન ગોસિપ કરવામાં માને છે, પરંતુ જ્યારે ચુંબક કોલોની પર કોઈ મુસીબત આવે ત્યારે તે ટાઇગર મોમ બનીને સોસાયટીની પડખે ઊભી રહે છે.
કુટુંબ સાથે સમય પસાર કરવા માટે આ સિરીઝ એકવાર જોવા જેવી છે.