સત્ય. સાહસ. સંકલ્પ.

છ અઠવાડિયાથી વધુ ચાલે તો ખંજવાળ સામાન્ય નથી, હોઈ શકે છે ક્રોનિક અર્ટિકેરિયા

છ અઠવાડિયાથી વધુ ચાલે તો ખંજવાળ સામાન્ય નથી, હોઈ શકે છે ક્રોનિક અર્ટિકેરિયા

ઘણા લોકો માને છે કે ત્વચા પર લાલ ફોલ્લીઓ થાય કે ખંજવાળ વધુ આવે તો તે કોઈ વસ્તુની એલર્જીના કારણે હોય છે. પરંતુ જ્યારે આ સમસ્યા અઠવાડિયાઓ સુધી ચાલુ રહે, ત્યારે ત્વચારોગ નિષ્ણાતો તેને ક્રોનિક સ્પોન્ટેનિયસ અર્ટિકેરિયા (CSU) નામની લાંબા ગાળાની સ્થિતિની નિશાની ગણે છે. તેને વહેલી ઓળખવી જરૂરી છે જેથી યોગ્ય સારવાર શરૂ કરી શકાય.

કેટલાક દર્દીઓને ખંજવાળ સાથે ઉઝરડા પડે છે અને સોજો પણ આવે છે, જેને એન્જિયોએડીમા કહેવાય છે. આ સોજો હોઠ, પોપચા, હાથ અને પગ જેવા ભાગોમાં થાય છે. તે ક્યારેક ફોલ્લીઓ સાથે અને ક્યારેક એકલો પણ આવી શકે છે. જો સોજો વારંવાર આવે તો નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. જો શ્વાસ લેવામાં કે ગળવામાં તકલીફ થાય, અથવા જીભ કે ગળામાં સોજો દેખાય, તો તાત્કાલિક તબીબી સહાય લેવી જરૂરી છે.

આ સ્થિતિનું ચોક્કસ કારણ ઘણીવાર જાણી શકાતું નથી. તેથી કોઈ એક ખોરાક કે ક્રીમને દોષ આપીને દવા જાતે બંધ કરવી સારો વિચાર નથી.

સતત ખંજવાળ માનસિક અને સામાજિક જીવન પર પણ અસર કરે છે. આવી વ્યક્તિ જાહેર જીવનથી દૂર ભાગી શકે છે અને ખચકાટ અનુભવે છે. ખંજવાળ ફરી આવવાની ચિંતા લાંબા સમય સુધી રહે તો તણાવ પણ વધી શકે છે. શરમ કે ડરને કારણે સારવાર મુલતવી ન રાખવી જોઈએ. ત્વચારોગ વિજ્ઞાની અથવા એલર્જી નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

ત્વચા પર સતત ખંજવાળ લોહીની કેટલીક બીમારીઓ સહિતની સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. આવી તકલીફ ચાલુ રહે તો તબીબની સલાહ લઈને એલર્જી સહિતની જરૂરી તપાસ કરાવવી ફાયદાકારક છે.