આસો નવરાત્રિ 2026ના પહેલા નોરતે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર ખાતે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રાજ્યભરમાંથી આવેલા ભક્તોના 'જય માતાજી'ના નાદથી આખો ડુંગર ગુંજી ઉઠ્યો હતો.
શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ માટે જાહેર કરાયેલા સમયપત્રક મુજબ પહેલા નોરતે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી. આરતીના 30 મિનિટ પહેલા જ ડુંગર પર જવાનો પગથિયાનો દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યો હતો. બ્રહ્મ મુહૂર્તથી જ ભક્તો દર્શન માટે કતારબદ્ધ ગોઠવાઈ ગયા હતા.
મંદિર ખુલતાં જ 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ડુંગર ચઢીને મા ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચોટીલા ડુંગર અને મંદિર પરિસર ભક્તોથી ઊભરાઈ ગયું હતું.
નવરાત્રિ દરમિયાન દર્શન અને આરતીના સમયમાં ટ્રસ્ટે કેટલાક ફેરફાર કર્યા છે:
- સવારની મંગળા આરતી પહેલા નોરતે (11 ઓક્ટોબર) અને આઠમા નોરતે (18 ઓક્ટોબર) સવારે 4:00 વાગ્યે થશે. બાકીના સાત દિવસ સવારે 5:00 વાગ્યે થશે.
- પગથિયાનો દ્વાર સવારની આરતીના 30 મિનિટ પહેલા ખોલવામાં આવશે.
- સાંજની આરતી દરરોજ સૂર્યાસ્તના સમયે યથાવત્ રહેશે.
- 18 ઓક્ટોબરે હવનાષ્ટમી નિમિત્તે ડુંગર પર હવન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે.
- હવનાષ્ટમી સિવાયના આઠ દિવસ ભોજન પ્રસાદ બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધી મળશે. 18 ઓક્ટોબરે બીડું હોમાયા બાદ બપોરે 3:00 વાગ્યાથી પ્રસાદી શરૂ થશે.