સત્ય. સાહસ. સંકલ્પ.

ચોપિંગ બોર્ડ ક્યારે બદલવું? એક્સપાયરી ડેટ નહીં, પણ આ સંકેતો પર ધ્યાન આપો

ચોપિંગ બોર્ડ ક્યારે બદલવું? એક્સપાયરી ડેટ નહીં, પણ આ સંકેતો પર ધ્યાન આપો

રસોડામાં શાકભાજી, ફળો કે અન્ય ખાદ્યસામગ્રી કાપવા માટે ચોપિંગ બોર્ડ દરરોજ વપરાય છે. રોજના વપરાશથી તેની સપાટી પર છરીના નિશાન પડવા લાગે છે અને ધીમે ધીમે બોર્ડ ખરાબ થાય છે. એટલે સવાલ ઊભો થાય કે ચોપિંગ બોર્ડ કેટલા સમય પછી બદલવું જોઈએ અને જૂનું બોર્ડ વાપરવાથી સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે?

નિષ્ણાતોના મતે ચોપિંગ બોર્ડ બદલવાની કોઈ નિશ્ચિત એક્સપાયરી તારીખ કે ચોક્કસ સમયમર્યાદા હોતી નથી. બોર્ડ ક્યારે બદલવું, તે તેની વર્તમાન સ્થિતિ જોઈને નક્કી કરવું જોઈએ. સમય જતાં બોર્ડ પર પડતા ઊંડા ઘસરકામાં બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુ ભરાઈ જવાનું જોખમ ઘણું વધી જાય છે.

ચોપિંગ બોર્ડ ક્યારે બદલવું જોઈએ?

શાકભાજી કાપતી વખતે સપાટી પર છરીના હળવા નિશાન પડવા સામાન્ય છે. પણ જ્યારે બોર્ડ પર ઊંડા કાપા અને ખાંચા પડી જાય, ત્યારે તેને અંદરથી સાફ કરવું ખૂબ મુશ્કેલ બને છે. આ ખાંચામાં ખોરાકના બારીક કણ, ભેજ અને હાનિકારક બેક્ટેરિયા ફસાઈ રહે છે. જો સાબુ અને ગરમ પાણીથી ઘસ્યા પછી પણ બોર્ડ બરાબર સાફ ન થાય, તો તેને તરત બદલી નાખવું જોઈએ.

લાકડું અને પ્લાસ્ટિકના બોર્ડનું આયુષ્ય કેટલું?

ચોપિંગ બોર્ડ લાકડું, વાંસ અને પ્લાસ્ટિક જેવી જુદી જુદી સામગ્રીમાંથી બને છે. તેમનું આયુષ્ય વપરાશ અને સાચવણીની રીત પર આધાર રાખે છે. લાકડાના બોર્ડમાં તિરાડ પડી હોય, બોર્ડ વાંકું વળી ગયું હોય કે તૂટવા લાગ્યું હોય, તો તેને બદલી નાખવું જોઈએ. પ્લાસ્ટિકના બોર્ડ પર ખૂબ ઊંડા કાપા પડી જાય અને તેની ગંદકી દૂર ન થાય, તો નવું બોર્ડ લેવું જોઈએ. એટલે કે માત્ર સમય વીતી ગયો છે એટલે નહીં, પણ બોર્ડની ભૌતિક સ્થિતિ જોઈને નિર્ણય લેવો જરૂરી છે.

દુર્ગંધ કે ફૂગ દેખાય તો વાપરવું નહીં

જો ચોપિંગ બોર્ડમાંથી સતત અણગમતી દુર્ગંધ આવે, તેના પર કાળા કે લીલા રંગની ફૂગ દેખાય અથવા વધુ ભેજને કારણે સપાટી ચીકણી થઈ જાય, તો તેને વાપરવું જોખમી છે. જો બોર્ડને યોગ્ય રીતે સાફ અને સૂકું રાખવું શક્ય ન બને, તો તેને તરત કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ. વપરાશ પછી બોર્ડને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈને સંપૂર્ણ સૂકવવું જરૂરી છે.

ચોપિંગ બોર્ડની સાચવણી માટે ટિપ્સ

કાચું ચિકન, માંસ કે માછલી કાપવા માટે અને શાકભાજી કે સલાડ કાપવા માટે એક જ બોર્ડ ક્યારેય ન વાપરવું. બંને માટે અલગ બોર્ડ રાખવાથી બેક્ટેરિયાના ફેલાવાથી બચી શકાય છે. દરેક વપરાશ પછી બોર્ડને હળવા ગરમ પાણી અને લિક્વિડ સાબુથી સારી રીતે ઘસીને ધોવું. ધોયા પછી ભીનું ન રાખતાં સ્વચ્છ કપડાથી લૂછીને હવા મળે એવી જગ્યાએ ઊભું રાખવું. સમયાંતરે બોર્ડની સપાટી પરના કાપા, તિરાડ અને ગંદકીની તપાસ કરતા રહેવું, જેથી ખોરાકમાં જીવાણુ પ્રવેશવાનું જોખમ ટાળી શકાય.