સત્ય. સાહસ. સંકલ્પ.

ચિત્રક શાહે કહ્યું- પૈસા ગાડીના પેટ્રોલ જેવા છે, રિયલ એસ્ટેટમાં લાંબા ગાળે ફાયદો

ચિત્રક શાહે કહ્યું- પૈસા ગાડીના પેટ્રોલ જેવા છે, રિયલ એસ્ટેટમાં લાંબા ગાળે ફાયદો

અમદાવાદ: શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ચિત્રક શાહે જણાવ્યું છે કે, જીવનમાં પૈસા જરૂરી છે, પરંતુ જ્યારે એક સ્તર પર પહોંચી જાય પછી પૈસા ગાડી ચલાવવા માટેના પેટ્રોલ જેવા બની જાય છે. તેમણે કહ્યું કે, જીવનમાં ક્યાં પહોંચવું છે તે નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. જો દરરોજ સવારે ગાડી લઈને નીકળો અને ક્યાં જવું છે તેની ખબર ન હોય તો તે દિશાહીન કામગીરી ગણાય.

ધનતેરસ અને દિવાળીના પર્વ પર લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે. આ અવસરે અમારી સિરીઝ 'સંપત્તિનું સિક્રેટ'ના બીજા એપિસોડમાં અમે સંઘર્ષ કરીને સફળતાના શિખરે પહોંચેલા ઉદ્યોગપતિ ચિત્રક શાહ સાથે વાતચીત કરી છે.

ચિત્રક શાહે જણાવ્યું કે, 1998માં તેમના પિતા સતીશ શાહે આ ગ્રુપની સ્થાપના કરી હતી. નાનપણમાં તેઓ લેગો ગેમ ખૂબ રમતા. જ્યારે પિતાએ નવી સાઇટ શરૂ કરી ત્યારે લેગોના બ્લોક્સ બિલ્ડિંગના બ્લોક્સમાં દેખાવા લાગ્યા. આજે તેની અસર બિલ્ડિંગના આકાર પર જોવા મળે છે.

ત્યારબાદ તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કર્યા બાદ 2001થી કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું શરૂ કર્યું. અત્યારે 16 શહેરોમાં 75થી વધુ આઇકોનિક બિલ્ડિંગ ઊભા કર્યા છે. અમદાવાદમાં એવો કોઈ વિસ્તાર નથી જ્યાં શિવાલિક ગ્રુપની બિલ્ડિંગ જોવા ન મળે.

ધંધામાં ક્યારેય પૈસા પાછળ નહીં, પરંતુ ગ્રોથ જોઈને આગળ વધ્યા છીએ. ગ્રોથને કારણે પૈસા આપોઆપ આવવા લાગ્યા. મારા પાર્ટનરોએ કઈ રીતે ગ્રોથ થઈ શકે તેને સૌથી વધુ મહત્વ આપ્યું છે. જેથી પાર્ટનર ગ્રોથ થતાં ધંધામાં પૈસા આપોઆપ આવી જાય છે.

ભૂલો ડિફાઇન કરીને તેમાંથી શીખવાનું: અમે વચ્ચે વચ્ચે જેનો અનુભવ નહોતો એવા ઘણા બિઝનેસ ઉમેર્યા. તેમજ કેટલાક પ્રોજેક્ટ લાંબા ચાલવા જેવી ભૂલો પણ થઈ. અલગ અલગ બધું કરવા ગયા હતા એના કરતા એક અથવા બે પ્રકારની એસેટ પર કામ કર્યું હોત તો અમને સ્કેલ વધારે સારો મળી શક્યો હોત. જેથી દરેક સાઇકલમાં જે ભૂલો કરી હોય તેને લખતા જઈએ છીએ. કઈ ભૂલો આગળ નહીં કરવાની તે ડિફાઇન કરીને ભૂલોમાંથી નવું શીખીને આગળ વધીએ છીએ.

આપણી એનર્જી કોઈ વધારે ખાઈ જાય તો ડાયવર્ટ થઈ જવાય: ધંધામાં કરેલી શરૂઆત અંગે તેમણે કહ્યું કે, અત્યાર સુધીની સફરમાં પડકારોને પોઝિટિવ રીતે જોયા છે. સફરમાં આપણી એનર્જી કોઈ વધારે ખાઈ જાય તો ડાયવર્ટ થઈ જવાય છે, પરંતુ તેમાંથી પોઝિટિવ વિચારી આગળ વધવું ખૂબ જરૂરી છે. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે મારા પિતા સ્ટોક માર્કેટમાં હતા. તે સમયે અમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હતા. જે બાદ પોતાની સ્કીમ પણ શરૂ કરી હતી. ત્યાંથી સફર શરૂ થઈ હતી, આજે અહીં સુધી પહોંચી છે. પૈસા ઝડપથી કઈ રીતે ફેરવવા તે 2001થી 2011 દરમિયાન શીખવા મળ્યું હતું. જે બાદ નાના નાના પ્રોજેક્ટ પૂર્ણ કરી પૈસા ફેરવતા શીખી ગયા હતા.

આ આખી જર્નીમાં ઘણા બધા સંઘર્ષ આવ્યા છે. કોઈ પ્રોજેક્ટ પ્લાન કરતાં અલગ બની ગયો હોય, કોઈ પ્રોજેક્ટમાં ખોટ આવે એ બધા પ્રોબ્લેમ આવતા હોય છે. પરંતુ રિયલ એસ્ટેટ સેફ છે અને લાંબા સમય સુધી તેમાં ફાયદો થતો હોય છે. મને રિયલ એસ્ટેટ સૌથી સેફ લાગ્યું હતું, કારણ કે તેમાં 100માંથી 99 લોકો કમાતા હતા. જેથી આ લાઇનમાં જ આગળ વધવાનું પસંદ કર્યું હતું.

સ્કિલ કોઈપણ બિઝનેસમાં આગળ વધવાનો એન્ટ્રી પોઇન્ટ: કોઈપણ બિઝનેસમાં આગળ વધવા માટે કોઈપણ એક સ્કિલ પકડવી ખૂબ જ જરૂરી છે. ડેવલપમેન્ટમાં જવું છે કે પછી કન્સ્ટ્રક્શનમાં જવું છે તે પહેલાં નક્કી કરવું જોઈએ. જે બાદ કોઈપણ એક સ્કીલથી શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે તે બિઝનેસને લગતું બધું જ શીખી શકાશે. સ્કિલ એ કોઈપણ બિઝનેસમાં આગળ વધવાનો એન્ટ્રી પોઇન્ટ છે. સ્કિલના કારણે તમે તમારી આવડતથી વધુ શીખી શકો છો. કોઈપણ ધંધામાં લક્ષ્મીજી રૂઠી જાય તે સ્વાભાવિક હોય છે. લક્ષ્મીજી હોય કે પાર્ટનર હોય તે રૂઠી જાય તો તેને ધંધામાં મનાવવા જ પડતા હોય છે. તેમજ તે સમયે બધું મેનેજ પણ કરવું પડતું હોય છે.

માતા, પત્ની અને ભાભીના કારણે આખું એમ્પાયર બીલ્ડ કરી રહ્યા છીએ: અમારા માટે ઘરના લક્ષ્મી આખું પરિવાર છે. પરંતુ સૌથી વધુ ત્રણ મહિલાઓ છે. મારી માતા, પત્ની અને મારા ભાભી આ ત્રણેય લક્ષ્મીજીના કારણે આજે આખું એમ્પાયર બીલ્ડ કરી રહ્યા છીએ.

યુવાનોએ મિત્ર અને પરિવાર શું કહે છે તે વિચારવા કરતા તેને શું કરવામાં મજા આવે છે, શું ભણ્યા છો અને તમારું કરિયર શેમાં વધારે સારું બની શકે છે તેના પર ધ્યાન આપવું જોઈએ. પોતાના વિશ્વાસ પર ત્રણ ચાર વર્ષ ગમતું હોય તેના પર મહેનત કરવી જોઈએ. જો પોતાને ગમતું હોય તેના પર મહેનત કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળતી હોય છે.