સત્ય. સાહસ. સંકલ્પ.

AI-ડીપફેક સામે કલાકારોની ચિંતા: ચિરંજીવી અને રામ ચરણે અમિત શાહ સાથે કરી મુલાકાત

AI-ડીપફેક સામે કલાકારોની ચિંતા: ચિરંજીવી અને રામ ચરણે અમિત શાહ સાથે કરી મુલાકાત

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર ચિરંજીવી અને તેમના પુત્ર રામ ચરણે સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં બંને કલાકારોએ ફિલ્મ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજીના વધતા દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી.

ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મુલાકાતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે તેમની વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને સરકાર તરફથી કડક નિયમો તેમજ સખત દંડની જોગવાઈ કરવાની ખાતરી આપી. સાથે જ, આ મામલે ઔપચારિક લેખિત અરજી જમા કરવાની સલાહ પણ આપી.

ચિરંજીવીએ ઇન્સ્ટાગ્રામ પર મુલાકાતની તસવીરો શેર કરતાં લખ્યું કે ગૃહમંત્રી અમિત શાહને મળવું તેમના માટે સન્માનની વાત હતી. તેમણે ગૃહમંત્રીને જણાવ્યું કે ડીપફેક અને AIનો દુરુપયોગ કલાકારોના અધિકારો, આત્મસન્માન અને ક્રિએટિવ કન્ટેન્ટ માટે મોટો ખતરો છે.

ચિરંજીવીના જણાવ્યા મુજબ, અમિત શાહે સમગ્ર મામલો ધ્યાનથી સાંભળ્યો અને આશ્વાસન આપ્યું કે સરકાર આ અંગે શક્ય તેટલી વહેલી તકે કડક પગલાં લેશે. ગૃહમંત્રીએ કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીને ફિલ્મ ઉદ્યોગ અને સરકાર વચ્ચે આ મુદ્દે સમન્વય સાધવાની જવાબદારી સોંપી છે.

મુલાકાત બાદ રામ ચરણે પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગૃહમંત્રીનું સકારાત્મક વલણ અને સમસ્યાની ગંભીરતાને સમજવું સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે રાહત આપનારું પગલું છે. રામ ચરણ અનુસાર, ગૃહમંત્રીએ તેમને વિશ્વાસ અપાવ્યો છે કે નકલી કન્ટેન્ટ બનાવનારાઓ અને તેનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે ખૂબ જલદી કલાકારોની સુરક્ષા માટે નક્કર માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે.

તાજેતરમાં ફિલ્મ ‘દેવરા: પાર્ટ 1’ના ગીત ‘ચુટ્ટામલ્લે’નો AI દ્વારા બનાવવામાં આવેલો મોર્ફ્ડ (ડીપફેક) વીડિયો વાઈરલ થયો હતો. આ ગીત જાહ્નવી કપૂર પર ફિલ્માવવામાં આવ્યું હતું. ઘણા કલાકારોએ તેને અત્યંત ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યો હતો. ચિરંજીવીએ પણ આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આવા કન્ટેન્ટને ક્રૂર, શરમજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે આ માત્ર કોઈ એક મહિલા અથવા ફિલ્મ સાથે જોડાયેલો મામલો નથી. આજે કોઈ અન્ય વ્યક્તિ સાથે થયું છે, આવતીકાલે આ તમારી, મારી અથવા કોઈ ઓળખીતાની સાથે પણ થઈ શકે છે.

ચિરંજીવીએ કહ્યું કે આવા વીડિયો બનાવવા અને જાણીજોઈને તેને ફેલાવનારા લોકો સામે કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ. તેમણે તેને મજાક કે મનોરંજન માનવાનો પણ ઇનકાર કર્યો. તેમણે તેલુગુ ફિલ્મ ચેમ્બર, પ્રોડ્યુસર્સ કાઉન્સિલ અને ઈન્ડસ્ટ્રી સંસ્થાઓ સાથે મળીને એક કમિટી અને સપોર્ટ સેલ બનાવવાની વાત કરી. આ ટીમ સાયબર ક્રાઇમ અધિકારીઓ સાથે મળીને કામ કરશે. તેમણે લોકોને અપીલ કરી કે વીડિયો જોવા, ડાઉનલોડ કરવા કે શેર કરવાને બદલે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને તેની જાણ કરે.

આ પહેલાં 2023માં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેના બાદ સમગ્ર દેશમાં AIના દુરુપયોગને લઈને ચર્ચા છેડાઈ ગઈ હતી. ઝારા પટેલના આ વીડિયોમાં ચહેરા પર રશ્મિકાનો ચહેરો લગાવી દેવામાં આવ્યો હતો. રશ્મિકાએ આ ઘટનાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2024માં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આંધ્ર પ્રદેશના ગુંટુરમાંથી BTech ગ્રેજ્યુએટ 24 વર્ષીય ઈમાની નવીનની ધરપકડ કરી હતી, જેણે રશ્મિકાનો વીડિયો બનાવીને અપલોડ કર્યો હતો.