રણજી ટ્રોફી 2026-27 સીઝનમાં મિઝોરમના બેટ્સમેન ચિનમય સુથારે નાગાલેન્ડ સામે અણનમ 400 રનની ઇનિંગ રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવો ઇતિહાસ સર્જ્યો છે. નાગાલેન્ડના સોવિમા (દીમાપુર) ખાતે રમાઈ રહેલી પ્લેટ ગ્રુપની આ મેચમાં ચિનમયે વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવેલા અણનમ 400 રનના સ્કોરની બરાબરી કરી છે.
આ સાથે જ ચિનમયે રણજી ટ્રોફીમાં પૃથ્વી શૉ, સુનીલ ગાવસ્કર, ચેતેશ્વર પુજારા અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ બેટ્સમેનોના રેકોર્ડ તોડ્યા છે. ચિનમયની આ ચોથી સદીની મદદથી મિઝોરમે પ્રથમ દાવમાં 154.1 ઓવરમાં 9 વિકેટે 581 રન બનાવીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં નાગાલેન્ડે દિવસના અંત સુધીમાં 13 ઓવરમાં 1 વિકેટે 50 રન બનાવ્યા છે અને ટીમ હજુ 531 રન પાછળ છે. પ્રથમ ઇનિંગ્સના આધારે મિઝોરમની સ્થિતિ મજબૂત છે.
રણજી ટ્રોફીના ઇતિહાસમાં 400 રનની ઇનિંગ રમનારો ચિનમય માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં 1948-49માં મહારાષ્ટ્રના બી. બી. નિમ્બાલકરે કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા. 78 વર્ષ બાદ કોઈ બેટ્સમેને આ આંકડો પાર કર્યો છે. રણજી ટ્રોફીમાં સૌથી મોટી ઇનિંગની યાદીમાં ત્રીજા નંબરે પૃથ્વી શૉ (379 રન, અસમ વિરુદ્ધ 2022-23), ચોથા નંબરે સંજય માંજરેકર (377 રન, હૈદરાબાદ વિરુદ્ધ 1990-91) અને પાંચમા નંબરે એમ. વી. શ્રીધર (366 રન, આંધ્ર વિરુદ્ધ 1993-94) છે. ચિનમય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 રનની ઇનિંગ રમનારો વિશ્વનો 10મો બેટ્સમેન પણ બન્યો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગનો વિશ્વવિક્રમ બ્રાયન લારાના નામે છે, જેણે 1994માં વાર્વિકશાયર વતી ડરહામ સામે 501 રન બનાવ્યા હતા. આ યાદીમાં હનીફ મોહમ્મદ (499), ડોન બ્રેડમેન (452*), બી. બી. નિમ્બાલકર (443*) અને બિલ પોન્સફોર્ડ (437)નો સમાવેશ થાય છે.