સત્ય. સાહસ. સંકલ્પ.

78 વર્ષ બાદ રણજીમાં 400 રનની અણનમ ઇનિંગ્સ: મિઝોરમના ચિન્મય સુતારનો મોટો રેકોર્ડ

78 વર્ષ બાદ રણજીમાં 400 રનની અણનમ ઇનિંગ્સ: મિઝોરમના ચિન્મય સુતારનો મોટો રેકોર્ડ

મિઝોરમના 29 વર્ષીય બેટર ચિન્મય સુતારે રણજી ટ્રોફીમાં નાગાલેન્ડ સામે 400 રનની અણનમ ઇનિંગ્સ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 રનનો આંકડો સ્પર્શનારા તેઓ બીજા ભારતીય બેટર બન્યા છે. તેમના પહેલાં 1948માં મહારાષ્ટ્રના બાબાસાહેબ નિંબાલકરે કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા.

દીમાપુરમાં રમાયેલી આ મેચમાં ચિન્મયે 517 બોલમાં 46 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ્સ સાથે તેઓ રણજી ટ્રોફીની એક ઇનિંગ્સમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનારા બેટર બન્યા છે. તેમણે પૃથ્વી શૉના 379 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો.

મિઝોરમની શરૂઆત ખરાબ રહી હતી. સાહિલ રેઝા 4 રનમાં આઉટ થયા, લાલરોઇઝેલાએ 63 બોલમાં 31 રન બનાવ્યા, જોસેફ લલથનખુમા માત્ર 1 રન કરી શક્યા અને મનેન્દ્ર સિંહે 39 બોલમાં 27 રન ઉમેર્યા. ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા ચિન્મયે વિકેટકીપર જેહુ એન્ડરસન સાથે 168 રનની ભાગીદારી કરી. એન્ડરસને 151 બોલમાં 69 રન બનાવ્યા.

ત્યારબાદ નાગાલેન્ડના બોલરોએ વાપસી કરતાં મિઝોરમનો સ્કોર 314/4થી 392/9 સુધી પહોંચી ગયો. નવ વિકેટ પડી ગયા બાદ ચિન્મય અને અંતિમ બેટર લાલરેમપુઇયા છકછુઆકે મોરચો સંભાળ્યો. બંનેએ 10મી વિકેટ માટે અણનમ 189 રનની ભાગીદારી કરી. છકછુઆકે 76 બોલમાં 14 રન બનાવ્યા, જ્યારે ચિન્મયે આ ભાગીદારી દરમિયાન 400 રન પૂરા કર્યા. ત્યારબાદ મિઝોરમે 581/9ના સ્કોર પર દાવ જાહેર કર્યો.

ચિન્મયે પોતાની બીજી ફર્સ્ટ-ક્લાસ મેચમાં જ આ ઐતિહાસિક ઇનિંગ્સ રમી છે. 2026-27 સીઝન પહેલાં તેમણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) પાસેથી NOC લઈને મિઝોરમની ટીમ સાથે જોડાયા હતા. મિઝોરમ માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરતાં તેમણે મણિપુર સામેની પ્રથમ ઇનિંગ્સમાં 35 અને બીજી ઇનિંગ્સમાં 99 રન બનાવ્યા હતા, જોકે ટીમને 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ વર્ષે ચિન્મય વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમ્યા હતા. જૂનમાં તેમણે મુંબઈ T20 લીગમાં મરાઠા રોયલ્સને ટાઇટલ જાળવી રાખવામાં મદદ કરી હતી. ટૂર્નામેન્ટમાં સતત બે અર્ધસદી ફટકારનાર ચિન્મયે છ ઇનિંગ્સમાં 212 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ લગભગ 120 રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નિંબાળકરે ડિસેમ્બર 1948માં પુણેમાં મહારાષ્ટ્ર તરફથી રમતા કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સમાં 49 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તે મેચમાં કાઠિયાવાડે પ્રથમ ઇનિંગ્સમાં 238 રન બનાવ્યા હતા, જવાબમાં મહારાષ્ટ્રે 826/4નો સ્કોર ઊભો કર્યો હતો. ત્રીજા દિવસે નિંબાળકર 443 રન પર અણનમ હતા અને ડોન બ્રેડમેનના 452 રનના તે સમયના ફર્સ્ટ-ક્લાસ વિશ્વ રેકોર્ડથી માત્ર 9 રન દૂર હતા. લંચ બાદ કાઠિયાવાડના કેપ્ટને મહારાષ્ટ્રે ઇનિંગ્સ ડિકલેર ન કરતાં મેદાનમાં ઉતરવાનો ઇનકાર કરી દીધો અને ટીમ મેદાન છોડીને ચાલી ગઈ, જેના કારણે મેચ ગુમાવી દેવાઈ.