ચીનની ઝિયાઓ ચેનની કહાની સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 12 વર્ષ સુધી એર હોસ્ટેસ તરીકે કામ કર્યા બાદ તેમણે પોતાની નોકરી છોડીને પરિવારના પરંપરાગત કરચલા વેચવાના વ્યવસાયને અપનાવ્યો. આજે તેઓ દરરોજ આશરે 14 લાખ રૂપિયાનું વેચાણ કરે છે.
એર હોસ્ટેસ બનવું ઘણા યુવાનોનું સ્વપ્ન હોય છે. ઝિયાઓ ચેને 12 વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું અને દુનિયાભરમાં પ્રવાસ કર્યો. પરંતુ જ્યારે તેમણે જોયું કે તેમના વતન નિંગબોમાં તેમની માતાનો કરચલા વેચવાનો વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે અને પરિવારને મદદની જરૂર છે, ત્યારે તેમણે નોકરી છોડવાનો નિર્ણય લીધો.
Vietnam.vn ના અહેવાલ મુજબ, ઝિયાઓએ એર હોસ્ટેસ તરીકે લોકો સાથે વાતચીત કરવાની કુશળતાનો ઉપયોગ નવા વ્યવસાયમાં કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર નાના વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જેમાં તળાવમાંથી સારી ગુણવત્તાના કરચલા પસંદ કરવાથી લઈને પેકિંગ સુધીની પ્રક્રિયા દર્શાવવામાં આવી. તેમની સાદગી અને મહેનત લોકોને ગમી, અને સ્થાનિક બિઝનેસ દેશભરમાં ફેલાઈ ગયો.
ચીનના પ્રસિદ્ધ ‘મિડ-ઓટમ ફેસ્ટિવલ’ (મધ્ય શરદ ઉત્સવ) દરમિયાન કરચલાની માંગ ખૂબ વધે છે, કારણ કે લોકો તેને ભેટ તરીકે આપે છે. આ સીઝનમાં ઝિયાઓના વેપારે જૂના રેકોર્ડ તોડ્યા. અહેવાલ મુજબ, તહેવારના દિવસોમાં તેમનું દૈનિક વેચાણ 1 લાખ યુઆનથી વધુ થયું, જે ભારતીય ચલણમાં આશરે 14.45 લાખ રૂપિયા થાય છે.
માંગ વધુ હોવા છતાં અને સારો નફો થતો હોવા છતાં, સારા સ્ટોકની અછત જેવી સમસ્યાઓ પણ આવી. પરંતુ નફાની લાલચમાં ગુણવત્તા સાથે સમાધાન કરવાને બદલે ઝિયાઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ નહીં મળે ત્યાં સુધી તેઓ મર્યાદિત ઓર્ડર જ સ્વીકારશે. તેમનો આ નિર્ણય દર્શાવે છે કે ગ્રાહકનો વિશ્વાસ જ કોઈપણ વેપારની ખરી મૂડી છે.