સત્ય. સાહસ. સંકલ્પ.

ઢાકાની ઝૂંપડપટ્ટીને 'દિલ્હી' બતાવી ચીની વ્લોગર્સ ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા હોવાની શંકા

ઢાકાની ઝૂંપડપટ્ટીને 'દિલ્હી' બતાવી ચીની વ્લોગર્સ ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા હોવાની શંકા

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ચીની નાગરિકો દ્વારા ગરીબ વિસ્તારોમાં વીડિયો બનાવીને તેને ભારતના સ્થળ તરીકે રજૂ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઢાકાના અખબાર 'પ્રોથમ આલો'ના અહેવાલ મુજબ, લગભગ 150 ચીની નાગરિકો ઢાકાના જુદા જુદા વિસ્તારોમાંથી લાઇવસ્ટ્રીમિંગ કરી રહ્યા છે અને તેમાં તેઓ સ્થાનિક ગરીબીને ભારતની સ્થિતિ ગણાવીને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે.

ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે વીચેટ, ડોયિન, બિલીબિલી અને યુકુ પર પ્રસારિત થતા આ વીડિયોમાં ઢાકાના તેકપારા અને ઉત્તરા જેવા ગરીબ વિસ્તારોની સાંકડી ગલીઓને નવી દિલ્હી તરીકે દર્શાવવામાં આવે છે. 'મિયાંમિયાં' નામના એક વ્લોગરે કહ્યું કે, 'આ નવી દિલ્હી છે. અહીંના ઘરો ખૂબ ગંદા છે, ટીનની છત છે અને પંખા પણ નથી. અહીં કાયદો અને વ્યવસ્થા ખરાબ છે.' અન્ય એક વ્લોગરે સ્થાનિક ચાની દુકાન પર ઊભા રહીને ચા ગૌમૂત્રમાંથી બને છે તેવો વાંધાજનક દાવો કર્યો હતો. કેટલીક ચીની મહિલાઓએ પોતે ભારતમાં પરણેલી હોવાના અને અહીં પરિવાર સાથે રહેતા હોવાના ખોટા દાવા પણ કર્યા હતા.

આ પ્રવૃત્તિ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હોવાનું માધ્યમોના અહેવાલોમાં જણાવાયું છે. બાંગ્લાદેશી માધ્યમો 'ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ' અને 'કાલેર કંઠો' અનુસાર, આ ચીની વ્લોગર્સ કૂલિંગ ફેન સાથેના આઇફોન લઈને કલાકો સુધી શૂટિંગ કરતા જોવા મળે છે. તેઓ વીડિયોના શીર્ષકોમાં ગરીબ અને ઝૂંપડપટ્ટી જેવા શબ્દોનો ઉપયોગ કરીને પોતાને મદદગાર તરીકે રજૂ કરે છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આ લોકો ભાષા સમજ્યા વિના દરેક દુકાનમાં જઈને શૂટિંગ કરે છે, પરંતુ તેમનો સાચો ઉદ્દેશ્ય શું છે તે કોઈને ખબર નથી.

વધુમાં, આ વ્લોગર્સ સ્થાનિક લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન પણ કરી રહ્યા છે. તેઓ રહેવાસીઓની પરવાનગી લીધા વિના તેમના ઘરોમાં, રસોડામાં અને બાથરૂમ સુધી શૂટિંગ કરવા પહોંચી જાય છે. આ કામમાં મદદ મેળવવા માટે તેઓ સ્થાનિક ગાઇડ અને મહિલાઓને દરરોજ 500થી 1,000 ટાકા ચૂકવીને પોતાની સાથે રાખે છે.

ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ચીની નાગરિકો દ્વારા વીડિયો બનાવવાની બાબત તેમના ધ્યાને આવી છે. જોકે, આ પ્રવૃત્તિ પાછળનો ચોક્કસ હેતુ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયો નથી. સમગ્ર મામલાની માહિતી ઉચ્ચ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે અને તપાસ ચાલુ છે.