સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ચીનની મહિલા ક્રિકેટ ટીમ એક પણ બોલ રમ્યા વગર બહાર, કારણ છે વરસાદ અને નિયમ

એશિયન ગેમ્સ 2026: ચીનની મહિલા ક્રિકેટ ટીમ એક પણ બોલ રમ્યા વગર બહાર, કારણ છે વરસાદ અને નિયમ

એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સ્પર્ધા 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. ગેમ્સનું આયોજન જાપાનના આઈચી-નાગોયામાં થઈ રહ્યું છે, જ્યારે મહિલા ક્રિકેટની ફાઈનલ 22 સપ્ટેમ્બરે રમાશે. પહેલી ક્વાર્ટર ફાઈનલ બાંગ્લાદેશ અને ચીન વચ્ચે યોજાવાની હતી, પરંતુ આ મેચ એક પણ બોલ રમાઈ નહીં.

વરસાદના કારણે બાંગ્લાદેશ અને ચીન વચ્ચેની આ ક્વાર્ટર ફાઈનલ રદ કરવામાં આવી હતી. મેચ રદ થતાં બાંગ્લાદેશને સેમિફાઈનલમાં પ્રવેશ મળ્યો, જ્યારે ચીનની મહિલા ક્રિકેટ ટીમનું અભિયાન સમાપ્ત થઈ ગયું. ચીનની ટીમ એક પણ મેચ રમ્યા વગર સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ.

આવું કેમ થયું, તેનો જવાબ એશિયન ગેમ્સ ક્રિકેટના નિયમમાં છે. નિયમ 16.10.2(b) અનુસાર, વરસાદના કારણે મેચ રદ થાય તો બંને ટીમોમાંથી જે ટીમની આઈસીસી રેન્કિંગ વધુ હોય, તે ટીમ આગળના રાઉન્ડમાં જાય છે. આઈસીસી રેન્કિંગમાં બાંગ્લાદેશ ચીનથી આગળ છે, તેથી સેમિફાઈનલની ટિકિટ બાંગ્લાદેશને મળી.

ચીનની મહિલા ક્રિકેટ ટીમ બહાર થતાં જ એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ સ્પર્ધામાં ચીનનું અભિયાન પૂરું થયું છે. પુરુષ ક્રિકેટની સ્પર્ધામાં ચીનની ટીમે ભાગ લીધો નથી.

ઉલ્લેખનીય છે કે, ભારતે 2023માં ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. એશિયન ગેમ્સ દર ચાર વર્ષે યોજાય છે, જેમાં એશિયાના દેશોના ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લે છે.