ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી બેઠક પહેલાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ વધ્યો છે. આ બેઠક પહેલાં ચીને અમેરિકા સામે પોતાનું આકરું વલણ દર્શાવતા ચાર મહત્ત્વની ‘રેડ લાઇન’ સ્પષ્ટ કરી છે.
અમેરિકા સ્થિત ચીનના રાજદૂત શે ફેંગે 23 સપ્ટેમ્બરે ‘પીપલ્સ ડેઇલી’માં લેખ લખીને જણાવ્યું છે કે, આ ચાર બાબતો પર ચીન કોઈ પણ પ્રકારનું સમાધાન કે દબાણ સહન કરશે નહીં.
રાજદૂતે લખ્યું છે કે, બંને દેશો વચ્ચેના મતભેદોનો ઉકેલ પરસ્પર સદ્ભાવ અને સન્માન પર નિર્ભર છે. ચીન માટે ચાર ક્ષેત્રો અતિ મહત્ત્વપૂર્ણ છે અને તેમને પડકારી શકાય નહીં. આ યાદીમાં સૌથી મોટો મુદ્દો તાઈવાનનો છે. આ સિવાય લોકશાહી અને માનવાધિકાર, ચીનનો વિકાસ માર્ગ તેમજ તેની રાજકીય વ્યવસ્થા, અને ચીનના વિકાસના અધિકારનો સમાવેશ થાય છે. આ ચારેય પાયાના મુદ્દાઓ પર કોઈ બાંધછોડ શક્ય નથી.
ચીની રાજદૂતે વોશિંગ્ટનને ચેતવણી આપતા કહ્યું કે, અમેરિકાએ ચીનને દબાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક અસંતુલન અને બંધુઆ મજૂરી જેવા બહાના બનાવવાનું બંધ કરવું પડશે. જ્યારે ચીન અને અમેરિકા સાથે મળીને કામ કરે છે ત્યારે બંને દેશોને મોટો ફાયદો થાય છે, પરંતુ સીધો સંઘર્ષ થશે તો બંને પક્ષોને ભારે આર્થિક અને રાજકીય નુકસાન વેઠવું પડશે.
ચીને સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને સંદેશ આપ્યો છે કે, દેશની સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસના હિતોનું કોઈ પણ ભોગે ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. ચીન શાંતિપૂર્ણ વિકાસના માર્ગે આગળ વધવા કટિબદ્ધ છે અને અમેરિકા પણ આ જ સકારાત્મક દિશામાં આગળ વધે તેવી અપેક્ષા રાખે છે.
ઉલ્લેખનીય છે કે, તાઈવાન સરકારના ઉગ્ર વિરોધ છતાં ચીન સતત તાઈવાનને પોતાના દેશનો અભિન્ન હિસ્સો ગણાવતું આવ્યું છે, જેને લઈને બંને વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે.