સત્ય. સાહસ. સંકલ્પ.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચીનનો ફૂંફાડો: ટનલ બોરિંગ મશીન પર પ્રતિબંધથી શું અસર?

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચીનનો ફૂંફાડો: ટનલ બોરિંગ મશીન પર પ્રતિબંધથી શું અસર?

મુંબઈ-અમદાવાદ વચ્ચેની 508 કિલોમીટરની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચીનના હાલના નિર્ણયની અસર થઈ છે. ચીને જમીન ખોદતા મહાકાય ટનલ બોરિંગ મશીન (TBM) અને તેના સ્પેરપાર્ટ્સની નિકાસ પર નિયંત્રણો લગાવ્યા છે. આ મશીનનો ઉપયોગ દરિયા નીચે 7 કિલોમીટરની સુરંગ ખોદવા માટે થવાનો છે. ચીનના આ નિર્ણયથી પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર શરૂઆતમાં સંપૂર્ણ જાપાનીઝ શિન્કાનસેન ટેક્નોલોજી પર આધારિત હતો. હવે ભારતે હાઈબ્રિડ મોડલ અપનાવ્યું છે. જેમાં પાટા જાપાની ટેક્નોલોજીના, સિગ્નલ સિસ્ટમ યુરોપિયન અને ટ્રેન સ્વદેશી બનાવવામાં આવશે. આ ફેરફારનું કારણ જાપાનીઝ ટ્રેનની ઊંચી કિંમત અને ભારતીય હવામાનમાં તેની યોગ્યતા પરના પ્રશ્નો છે. જાપાનની E5 ટ્રેનના એક કોચની કિંમત અંદાજે 46 કરોડ રૂપિયા હતી, જ્યારે સ્વદેશી BEML વંદે ભારત ટેક્નોલોજીવાળા કોચની કિંમત 27 કરોડ રૂપિયા આસપાસ થશે. આમ એક કોચ દીઠ 19 કરોડ રૂપિયાની બચત થશે.

પ્રોજેક્ટની કિંમત 2015ના 97,636 કરોડ રૂપિયાના અંદાજથી વધીને હવે 2.10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ અને ટેક્નોલોજીમાં થયેલા ફેરફારોને કારણે ખર્ચમાં વધારો થયો છે. ગુજરાતમાં પ્રોજેક્ટની પ્રગતિ ઝડપી છે, પરંતુ મુંબઈમાં દરિયા નીચેની સુરંગના કામમાં ચીનના નિર્ણયથી અડચણ ઊભી થઈ શકે છે.

આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. સુરતના હીરા અને કાપડ ઉદ્યોગથી લઈને અમદાવાદના ફાઇનાન્સ અને IT ક્ષેત્ર સુધીના વેપારીઓને આ ટ્રેનથી ફાયદો થશે. પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને વાપી વચ્ચે 2027 સુધીમાં દોડે એવી અપેક્ષા છે. ટિકિટની કિંમત અંગે વિપક્ષે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશને સામાન્ય લોકોને પરવડે એવી કિંમત રાખવાની ખાતરી આપી છે.

ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ બેંગલુરુની BEML ફેક્ટરીમાં ચાલી રહ્યું છે. આ ટ્રેન 2027 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. ચીનના નિર્ણયથી ટનલ બોરિંગ મશીનની ખરીદી પર અસર થઈ શકે છે, જેનાથી મુંબઈમાં દરિયા નીચેની સુરંગના કામમાં વિલંબ થઈ શકે છે. સરકાર હવે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરી રહી છે.