સત્ય. સાહસ. સંકલ્પ.

ચીનના શેરબજારમાં સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રૂ.329 લાખ કરોડનું ધોવાણ

ચીનના શેરબજારમાં સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રૂ.329 લાખ કરોડનું ધોવાણ

બેઇજિંગ: ચીનના શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ સીએસઆઈ 300 સળંગ 12માં અઠવાડિયે ઘટાડા સાથે બંધ થયો છે. ચીનના શેરબજારના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે. 30 ઓક્ટોબરના બંધ ભાવના આધારે આ ઇન્ડેક્સ 2005માં શરૂ થયા પછી સૌથી લાંબા સાપ્તાહિક ઘટાડાના તબક્કામાં છે. ચીનમાં બજાર મેના ટોચના સ્તરે પહોંચ્યા પછી ચાલતી વેચવાલીના કારણે 3.5 લાખ કરોડ ડોલર એટલે કે આશરે રૂ.329 લાખ કરોડનું ધોવાણ થયું છે.

આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સતત ઘટાડાનું કારણ ફક્ત નબળી કિંમતો જ નથી. રોકાણકારો ચીનની સ્થાનિક માંગ, કંપનીઓના નફા, પ્રોપર્ટી બજાર અને ટેક કંપનીઓ પર કરવામાં આવેલા ભારે ખર્ચ અંગે ચિંતિત છે. સરકારી મદદની આશા પણ બજારને ટેકો આપી શકી નથી.

સીએસઆઈ 300 એ શાંઘાઈ અને શેનઝેન એક્સ્ચેન્જમાં લિસ્ટેડ 300 મોટી કંપનીઓનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે. તે 23 ઓક્ટોબર સુધી સળંગ 11 અઠવાડિયા ઘટ્યો હતો અને 30 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહે પણ ઘટીને બંધ આવ્યો હતો. આમ તેમાં 12 સપ્તાહથી ઘટાડો ચાલુ છે. ઇન્ડેક્સ ટોચ પરથી 20 ટકા ઘટી ચૂક્યો છે. શેરબજાર સળંગ ઘટીને 20 ટકા સુધી તૂટે તો તેને બજારનો મંદીમાં પ્રવેશ કહેવામાં આવે છે.

ચીનનું ઉત્પાદન અને નિકાસ મજબૂત છે, પરંતુ દેશની અંદર લોકોને મોંઘવારીનો માર વાગ્યો છે. તેના કારણે લોકોએ ખર્ચમાં ઘટાડો કર્યો છે. આવામાં રોકાણકારોને ચિંતા છે કે સ્થાનિક માંગ નબળી છે તો કંપનીઓ માટે વેચાણ વધારવું અને કિંમતો વધારીને નફો કરવો મુશ્કેલ બની જાય છે. તેથી રોકાણકારોએ વેચવાલી ચાલુ રાખી છે.

આની સીધી અસર બેન્કિંગ, ઇલેક્ટ્રિક વાહનો અને ટેકનોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓ પર પડી શકે છે. ચીનના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોએ બજારને નિરાશ કર્યું છે. ચીનની કંપનીઓને બજારના અંદાજ કરતાં નવ ટકા ઓછો નફો થયો છે, એટલે કે કંપનીઓ બજારની અપેક્ષા પર ખરી ઉતરી નથી.

ચીનના ટેકનોલોજી અને એઆઈ શેરોએ રોકાણકારોને ચિંતામાં મૂક્યા છે. રોકાણકારો એ પરખી રહ્યા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પર કંપનીઓનો મોટો ખર્ચ ભવિષ્યમાં પૂરતી કમાણી આપશે કે નહીં. કમાણી અંગે અનિશ્ચિતતા હોવાથી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. ટેકનોલોજી શેરો ધરાવતા સ્ટાર 50 ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એઆઈ અને સેમીકંડક્ટર કંપનીઓ દબાણ હેઠળ છે. અમેરિકામાં ટેક શેરોમાં આવેલી વેચવાલીએ પણ એશિયાઈ બજારો પર દબાણ વધાર્યું છે.

સરકારે રાહતનું પગલું લીધું છે, પરંતુ તે રોકાણકારોની અપેક્ષા કરતાં ઓછું છે. ચીનનું અર્થતંત્ર ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે 4.5 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે, પરંતુ આ વૃદ્ધિ છતાં લોકોનો શેરબજારમાં ભરોસો પાછો નથી ફર્યો. ચીનના બજારની આ સ્થિતિના પગલે વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાઈ શકે છે.