સત્ય. સાહસ. સંકલ્પ.

ચીનના શિપયાર્ડમાં ભીષણ આગ, 25 કામદારોના મોત; રાષ્ટ્રપતિનો તપાસનો આદેશ

ચીનના શિપયાર્ડમાં ભીષણ આગ, 25 કામદારોના મોત; રાષ્ટ્રપતિનો તપાસનો આદેશ

ચીનના શિયાંગદાઓ બેઈહાઈ શિપયાર્ડમાં સમારકામ માટે ઊભેલા માલવાહક જહાજમાં ભીષણ આગ લાગતાં 25 કામદારોના કરુણ મોત થયા છે. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જહાજ પર કુલ 42 કર્મચારીઓ હાજર હતા, જેમાંથી બચાવ ટીમોએ 12ને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

આ દુર્ઘટના શિયાંગદાઓ બેઈહાઈ શિપયાર્ડ ખાતે બની હતી. સવારે આશરે 11:15 વાગ્યે જહાજના નીચેના ભાગમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં જ આગે સમગ્ર જહાજને ઘેરી લીધું હતું. ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમોએ લગભગ 3 કલાકની જહેમત બાદ બપોરે 2:30 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં 25 કામદારો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 5 લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં 25 લોકોના મોત થતાં ચીન સરકાર હરકતમાં આવી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવા અને સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરવા કડક આદેશો જારી કર્યા છે. તેમણે કામના સ્થળે સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, તમામ સરકારી વિભાગો અને કંપનીઓએ આ ગંભીર ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ.

ચીનના શિપયાર્ડમાં એક જ મહિનાની અંદર આ બીજો મોટો અકસ્માત છે. આ પહેલાં 13 ઓગસ્ટે ફુજિયાન પ્રાંતના સેન્ચુરી હુઆહાઈ શિપયાર્ડમાં સમારકામ દરમિયાન જહાજમાં ભીષણ આગ લાગી હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં એક ફાયરફાઈટરનું મોત થયું હતું.