ચીને નેપાળ સરહદ નજીક ગિરોંગ વિસ્તારમાં 26 ઓગસ્ટે થયેલા ભૂસ્ખલન અને પૂરની દુર્ઘટનાના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ચીનના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઓફિસમાંથી અત્યાર સુધીમાં 31 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 531 લોકો હજુ પણ ગુમ છે.
આ ઘટના નેપાળ-ચીન સરહદ પર આવેલા ગિરોંગ ક્ષેત્રની છે. પહાડ ધસી પડ્યા બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને પૂરનું પાણી સરહદ પર બનેલી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઓફિસની ઇમારતમાં ઘૂસી ગયું હતું. આ ઇમારતમાં હાજર 531 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.
બચાવ ટુકડીઓ કાટમાળ અને આસપાસના વિસ્તારમાં શોધખોળ ચલાવી રહી છે. અત્યાર સુધી ઘટનાસ્થળેથી ગુમ થયેલા લોકોનો 987 વ્યક્તિગત સામાન મળી આવ્યો છે, જેના આધારે તેમની ઓળખ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
બચાવ કામગીરીમાં સૌથી મોટો અવરોધ જી-216 હાઇવે છે. ગિરોંગ પોર્ટ તરફ જતો આ હાઇવે પૂરના કારણે વચ્ચેથી તૂટી ગયો છે, જેથી બચાવ દળને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ચીની અધિકારીઓએ જણાવ્યું કે રસ્તાનું નિરીક્ષણ કરતી વખતે 58 એવી જગ્યાઓ મળી આવી છે જ્યાં હજુ પણ ભૂસ્ખલન થવાનું જોખમ છે. પૂરને કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે અને વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.
ચીની તંત્રનું કહેવું છે કે સરહદી વિસ્તારના જોખમી ઝોનની તપાસ કરી લેવામાં આવી છે અને સંભવિત ખતરાનું આંકલન પૂર્ણ થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે બેઘર થયેલા લોકો માટે બે સ્થળોએ ઇમરજન્સી શેલ્ટર (અસ્થાયી આશ્રયસ્થાન) તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં તેમને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરાઈ છે.