ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંભવિત નવા હુમલાઓની ચર્ચાઓ વચ્ચે ચીને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ-સૈયદ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, 'પશ્ચિમ એશિયા અને અખાતી ક્ષેત્ર મોટી મહાસત્તાઓની હરીફાઈનું મેદાન ન બનવું જોઈએ.' શી જિનપિંગે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અરબ દેશો સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 1978માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા બાદ ઓમાનના રાષ્ટ્રાધ્યક્ષની આ પ્રથમ ચીન યાત્રા છે. ચીન અને ઓમાન વચ્ચે બહાર પાડવામાં આવેલા 20 મુદ્દાના સંયુક્ત નિવેદનમાં હોર્મુઝ સ્ટ્રેટ પરથી સામાન્ય અને સુરક્ષિત દરિયાઈ વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા પર સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશોએ અમેરિકા અને ઈરાનને શાંતિપૂર્ણ માર્ગ અપનાવવા, સંઘર્ષનો અંત લાવવા માટે જૂન મહિનામાં થયેલા કરાર પર પાછા ફરવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા અપીલ કરી છે.
આ ઉપરાંત, ઈરાનના નાયબ સુરક્ષા પ્રમુખ અલી બાઘેરી કાનીએ પણ ચીનની મુલાકાત લીધી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની બેઠકમાં ઈરાનના સાર્વભૌમત્વ અને સુરક્ષાને સમર્થન આપવામાં આવ્યું હતું.
પશ્ચિમ એશિયામાં શાંતિની આ પહેલને વધુ આગળ ધપાવવા માટે ચીનના ખાસ દૂત ઝાઈ જૂન આ જ મહિને ઈરાન, ઓમાન અને સાઉદી અરેબિયાનો પ્રવાસ કરશે. ચીન અને અમેરિકા વચ્ચે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાં ચીન ગેરંટરની ભૂમિકામાં આવી રહ્યું હોવાથી શી જિનપિંગનું આ નિવેદન વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શી જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે, 'વિશ્વ મોટા ફેરફારોના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તમામ પક્ષોએ મળીને યુદ્ધ રોકવા અને સુરક્ષાત્મક પડકારોનો ઉકેલ લાવવા આગળ આવવું પડશે.'