સત્ય. સાહસ. સંકલ્પ.

75 વર્ષની દાદીએ સેલોનની ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ્યા 4 કરોડ રૂપિયા, પુત્રી ચોંકી

75 વર્ષની દાદીએ સેલોનની ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ્યા 4 કરોડ રૂપિયા, પુત્રી ચોંકી

ચીનના શાંઘાઈ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 75 વર્ષની એક મહિલાએ સેલોન અને બ્યુટી ક્લિનિકની ટ્રીટમેન્ટ પાછળ પોતાની 4 કરોડ રૂપિયાથી વધુની આખી જીવન બચત ખર્ચી નાખી છે. આ વાત જ્યારે તેમની પુત્રીને ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ હતી.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP)ના અહેવાલ મુજબ, આ મહિલા 2016થી ‘યોંગકી બ્યુટી એન્ડ હેરડ્રેસિંગ કંપની’ અને તેની સાથે જોડાયેલી મેડિકલ બ્યુટી ક્લિનિકની ગ્રાહક હતી. તેમણે સ્કિન-ટાઇટનિંગ, થ્રેડ લિફ્ટિંગ અને મેરિડિયન મસાજ થેરાપી જેવી ઘણી સેવાઓ લીધી હતી. તેમણે આઈબ્રો અને લિપ ટેટૂ પણ બનાવડાવ્યા હતા.

પુત્રીએ જ્યારે સેલોનના ઇનવોઇસ અને ટ્રીટમેન્ટ રેકોર્ડ જોયા ત્યારે ખબર પડી કે કેટલીક સારવારની કિંમતો બજારમાં ચાલતા દરો કરતાં 10થી 20 ગણી વધારે લેવામાં આવી હતી. માત્ર એક વાર લિપ ટેટૂ માટે 39,800 યુઆન (લગભગ 6 લાખ રૂપિયા) વસૂલાયા હતા, જે સામાન્ય દર કરતાં ઘણું વધારે છે.

આ પ્રકરણે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં વૃદ્ધ ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને ગ્રાહક સુરક્ષા અંગે મોટા સવાલો ઊભા કર્યા છે. પુત્રીએ શાંઘાઈના એક ટેલિવિઝન પ્રોગ્રામ પાસે મદદ માંગી હતી. હવે એ સવાલ ઊભો થયો છે કે શું વૃદ્ધ ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને લાંબા સમય સુધી મોંઘી સારવાર કરાવવામાં આવી હતી? આ ઘટનાએ વૃદ્ધ ગ્રાહકો માટે વધુ સુરક્ષાત્મક ઉપાયોની જરૂરિયાત પર ફરી ચર્ચા શરૂ કરી છે.