ચીનની સેન્ટ્રલ બેંક, પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBoC) એ સપ્ટેમ્બર મહિનામાં આશરે 23 ટન સોનું ખરીદ્યું છે, જેની કિંમત લગભગ 29,418 કરોડ રૂપિયા થાય છે. આ સાથે ચીને સતત 23મા મહિને પોતાનો સોનાનો ભંડાર વધાર્યો છે. બીજી તરફ, આ જ મહિનામાં ચીનનો વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) 38 અબજ ડૉલર ઘટ્યો છે.
અહેવાલો અનુસાર, ઓગસ્ટના અંતે PBoC પાસે 76.73 મિલિયન ફાઇન ટ્રોય ઔંસ સોનું હતું, જે સપ્ટેમ્બરના અંત સુધીમાં વધીને 77.47 મિલિયન ટ્રોય ઔંસ થઈ ગયું. એક ટ્રોય ઔંસ આશરે 31.10 ગ્રામનું હોય છે, જેનો અર્થ થાય કે એક મહિનામાં આશરે 7.40 લાખ ટ્રોય ઔંસ અથવા 23,017 કિલો (23.02 ટન) સોનું ઉમેરાયું છે. આ સાથે ચીન પાસે હવે કુલ 2,409.59 ટન સોનું જમા થઈ ગયું છે, જેની આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે કિંમત આશરે 30.80 લાખ કરોડ રૂપિયા થાય છે.
ઑગસ્ટના અંતે ચીનનો વિદેશી મુદ્રા ભંડાર 3.438 ટ્રિલિયન ડૉલર હતો, જે સપ્ટેમ્બરના અંત સુધીમાં ઘટીને 3.400 ટ્રિલિયન ડૉલર થઈ ગયો, એટલે કે 38 અબજ ડૉલરનો ઘટાડો થયો. રૂપિયામાં આ આશરે 3.65 લાખ કરોડ થાય છે. નિષ્ણાતોના મતે, ચીન ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક તણાવ તેમજ જોખમોથી બચવા માટે સોનું ખરીદી રહ્યું છે.
જોકે, ફોરેક્સ રિઝર્વમાં થયેલો ઘટાડો સંપૂર્ણપણે સોનાની ખરીદીમાં નથી ગયો. કારણ કે વિદેશી મુદ્રા ભંડારની કિંમત ફક્ત ડૉલરની ખરીદ-વેચાણ પરથી નહીં, પણ તેમાં રાખેલી અન્ય કરન્સી અને સંપત્તિઓના ભાવમાં થતાં ફેરફારોથી પણ બદલાય છે. ડૉલર મજબૂત થવાથી પણ બીજી સંપત્તિઓની ડૉલરમાં કિંમત ઘટી શકે છે. તેથી, 38 અબજ ડૉલરના ઘટાડાને સીધો સોનાની ખરીદી સાથે જોડવો યોગ્ય નથી.
ચીન શા માટે અન્ય કરન્સીને બદલે સોનું પસંદ કરી રહ્યું છે? કારણ કે તે ડૉલર પર પૂરો ભરોસો નહીં કરવા માંગતું. જો ડૉલર નબળો પડે અથવા અમેરિકા સાથે તણાવ વધે, તો તેની અસર ચીનના ભંડાર પર થઈ શકે છે. સોનું એક સ્થિર અને સુરક્ષિત સંપત્તિ મનાય છે, જેની કિંમત લાંબા ગાળે જળવાઈ રહે છે. તેથી ચીન ધીમે ધીમે પોતાના ભંડારને સોનામાં ફેરવી રહ્યું છે.