બેઇજિંગ: ચીનની સરકારે એઆઈ, બાયોટેકનોલોજી અને સોલર પાવર જેવા 14 ક્ષેત્રોની 26 ટેકનોલોજીકલ પ્રોડક્ટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ પગલું વૈશ્વિક બજારમાં ચીનની મોનોપોલી મજબૂત કરવાના ઉદ્દેશથી લેવાઈ રહ્યું છે. ચીનના વેપાર અને વિજ્ઞાન વિભાગે સંયુક્ત રીતે આ ડ્રાફ્ટ રજૂ કર્યો છે.
ડ્રાફ્ટમાં પ્રસ્તાવ છે કે એઆઈ, સોલર પાવર, બાયોટેકનોલોજી, જીન થેરપી અને સ્ટેમ સેલ જેવી મહત્ત્વની ટેકનોલોજી દેશના હિતમાં જ રહે તે માટે તેની નિકાસ અટકાવવી જોઈએ. સરકારનું માનવું છે કે લાંબાગાળે તેનાથી દેશને ફાયદો થશે.
ચીન આ નિર્ણય અચાનક લેવાયો હોવાની છાપ ન ઊભી થાય તે માટે એક મહિના સુધી જનતા પાસેથી ઓપિનિયન મંગાવી રહ્યું છે. આ ઓપિનિયનના આધારે 14 ક્ષેત્રોની કુલ 26 ટેકનોલોજીકલ પ્રોડક્ટની નિકાસ બંધ કરવાની યોજના છે. આ પ્રતિબંધ આગામી જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે.
અગાઉ ચીને દુર્લભ ખનીજો (રેર અર્થ મિનરલ્સ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે ટેકનોલોજીના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. રેર અર્થ મિનરલ્સમાં ચીનની મોનોપોલી છે. જો ચીન તેની નિકાસ અટકાવે તો ઘણા દેશોની ટેકનોલોજી કંપનીઓને ઉત્પાદનમાં અસર થાય છે.
નવા પ્રતિબંધમાં ચીન એઆઈ ચીપથી લઈને ફ્લેશ મેમરી જેવી પ્રોડક્ટ સામેલ કરવા માંગે છે. આ પગલાની સૌથી વધુ અસર અમેરિકન અને ભારતીય કંપનીઓ પર પડવાની શક્યતા છે.