આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટી રહ્યા હતા અને રોકાણકારો સોનાથી દૂર થઈ રહ્યા હતા, ત્યારે ચીનની સેન્ટ્રલ બેંકે (પીપલ્સ બેંક ઓફ ચાઇના) સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ઓક્ટોબર મહિનામાં ચીને પોતાના સોનાના ભંડારમાં લગભગ 25.8 મેટ્રિક ટન (8,30,000 ઔંસ) સોનું ઉમેર્યું છે. આ સાથે ચીનની સેન્ટ્રલ બેંક સતત 24 મહિનાથી સોનું ખરીદી રહી છે.
બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ ચીને પોતાની રણનીતિ બદલી નથી. આ વર્ષના શરૂઆતના 10 મહિનામાં ચીને લગભગ 129 મેટ્રિક ટન સોનું પોતાના ભંડારમાં ઉમેર્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન દુનિયાભરની સેન્ટ્રલ બેંકોમાં ચીન સૌથી મોટી ખરીદદાર રહી છે.
આ ત્રણ મહિનામાં દુનિયાભરની સેન્ટ્રલ બેંકોએ કુલ 321 ટન સોનું ખરીદ્યું છે, જે 2024ના છેલ્લા ત્રણ મહિના પછીની સૌથી મોટી ખરીદી છે. સામાન્ય રોકાણકારો સોનું વેચવાનું વિચારી રહ્યા હતા, ત્યારે સેન્ટ્રલ બેંકોની આ ખરીદીએ ઘટતા ભાવને ટેકો આપ્યો.
ચીનની સેન્ટ્રલ બેંકની આ ખરીદીની અસર ત્યાંના સામાન્ય લોકો પર પણ દેખાઈ છે. ઓક્ટોબરમાં સોનું લગભગ 4,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું ત્યારે ચીનના પરિવારોએ પણ ખરીદી કરી. ઘણા રોકાણકારો માને છે કે સેન્ટ્રલ બેંક સોનું ખરીદી રહી હોવાથી લાંબા ગાળે ભાવ સુરક્ષિત રહેશે.
ચીનની આ રણનીતિ દર્શાવે છે કે તે પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરવા અને વિદેશી મુદ્રા ભંડાર સુરક્ષિત રાખવા સોનાને ભરોસાપાત્ર માધ્યમ માને છે. ઓક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં લગભગ 7 ટકાનો ઘટાડો થયો હતો અને ભાવ 4,000 ડોલર પ્રતિ ઔંસના મહત્વના સ્તરથી નીચે ગયા હતા.
2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી સોના માટે આ સૌથી ખરાબ ઓક્ટોબર રહ્યો, જ્યારે ભાવ એક વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યા. આ ઘટાડા પાછળ વૈશ્વિક તણાવ અને મોંઘવારી મુખ્ય કારણ રહ્યાં. આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં ઈરાન યુદ્ધ શરૂ થયા પછી સોનાના ભાવમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
યુદ્ધને કારણે કાચા તેલ અને ઊર્જાના ભાવ વધ્યા, જેથી દુનિયાભરમાં મોંઘવારી વધી. મોંઘવારી પર કાબૂ મેળવવા સેન્ટ્રલ બેંકોએ વ્યાજદર વધાર્યા. વ્યાજદર વધે ત્યારે સોના જેવા વ્યાજ વગરના એસેટ પ્રત્યે રોકાણકારોનું આકર્ષણ ઘટે છે, જેથી સોના પર દબાણ વધે છે. જોકે અમેરિકાની મધ્યાવધિ ચૂંટણીઓ પછી સોનાના ભાવમાં થોડી રિકવરી જોવા મળી છે.
વૈશ્વિક સ્તરે મોંઘવારી, ઊંચા વ્યાજદર અને યુદ્ધને કારણે સોનાના ભાવ પર દબાણ હતું, ત્યારે ચીન સહિત દુનિયાભરની સેન્ટ્રલ બેંકોની મોટી ખરીદીએ ઘટતા ભાવને ટેકો આપ્યો છે.
નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે, તેથી રોકાણ કરતા પહેલા નાણાંકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.