સત્ય. સાહસ. સંકલ્પ.

ચીનમાં અનોખો વ્યવસાય: પીઠ ખંજવાળવાની સેવામાં લાખોની કમાણી

ચીનમાં અનોખો વ્યવસાય: પીઠ ખંજવાળવાની સેવામાં લાખોની કમાણી

સામાન્ય રીતે પીઠ કે શરીર પર ખંજવાળ આવે ત્યારે લોકો જાતે ખંજવાળી લેતા હોય છે અથવા પરિવારના કોઈ સભ્યની મદદ લે છે. જોકે, ચીનના શેનઝેન શહેરમાં 32 વર્ષીય ઝાંગ શિયાઓચિયાઓ નામના યુવકે આ સામાન્ય બાબતને એક નફાકારક વ્યવસાયમાં ફેરવી નાખી છે.

તેમણે લોકોને પીઠ ખંજવાળવાની વ્યાવસાયિક સેવા આપતી દુકાનો શરૂ કરી છે. આ 'બૅક સ્ક્રેચિંગ' સેવાની બે દુકાનોની માસિક આવક આશરે 1 લાખ યુઆન એટલે કે લગભગ 14 થી 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

દુકાનનું વાતાવરણ મસાજ પાર્લર જેવું રાખવામાં આવ્યું છે. ગ્રાહકો બેડ પર સૂઈ જાય છે અને ખાસ તાલીમ પામેલા કર્મચારીઓ હાથમાં ખાસ પ્રકારના નખ પહેરીને ગ્રાહકની પીઠ અને શરીર પર ધીમે-ધીમે ખંજવાળે છે. આ સેવાનો દર 1 કલાકના 300 યુઆન એટલે કે આશરે 3,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

સંચાલકના જણાવ્યા અનુસાર આ સેવા માત્ર ખંજવાળ મટાડવા પૂરતી નથી, પરંતુ તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. ચીનમાં આ સેવા ઘણી લોકપ્રિય બની રહી છે, અને અહીં આવતા ગ્રાહકોમાં આશરે 70 ટકા પુરુષો છે.

અગાઉ ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા બાદ ઝાંગે એક શોર્ટ વીડિયો જોયો હતો, જેમાં એક પત્ની તેના પતિની પીઠ ખંજવાળી રહી હતી. વીડિયોની કમેન્ટ્સમાં લોકોએ લખ્યું હતું કે આવી સેવા માટે તેઓ રૂપિયા ચૂકવવા પણ તૈયાર છે. આ સાથે ઝાંગને તેમના પિતા દ્વારા બાળપણમાં પીઠ ખંજવાળીને સુવડાવવાની યાદ તાજી થઈ અને તેમણે તેને વ્યાવસાયિક સેવાનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.

હાલ બંને આઉટલેટ તમામ ખર્ચ કાઢીને સારો નફો કરી રહ્યા છે. ઝાંગ હવે દેશભરમાં આવા 100 આઉટલેટ ખોલવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે સમાજમાં ખંજવાળવાની આ સેવાને એક સન્માનજનક વ્યવસાય અને રોજગારીના સાધન તરીકે સત્તાવાર ઓળખ મળે.