અમેરિકાના શિકાગોમાં 31 વર્ષના મૂળ ગુજરાતી યુવક અંકુર પટેલે તેની 32 વર્ષની પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા બાદ આરોપી ભારત ભાગી જવા શિકાગોના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પહોંચ્યો હતો, પરંતુ પોલીસે સમયસૂચકતા દાખવીને તેને ઍરપોર્ટ પરથી જ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, અંકુર પટેલ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો અને વારંવાર ઝઘડા થતા હતા. ગયા મે મહિનાથી પત્ની તેની દીકરીને અંકુર પાસે મૂકીને અલગ રહેવા લાગી હતી. અલગ થયા બાદ પત્ની ઓફિસના એક પુરુષ સહકર્મચારીને ડેટ કરી રહી હોવાની જાણ અંકુરને થઈ હતી. ત્યારબાદ અંકુરે પત્નીને દીકરી સાથે વાત કરવાનું પણ બંધ કરાવી દીધું હતું. તે વારંવાર પત્નીને પોતાની પાસે પાછી આવી જવાનું કહેતો હતો, પરંતુ પત્ની નવા સાથી સાથે જ રહેવા માંગતી હતી, જેને કારણે બંને વચ્ચે તીવ્ર ઝઘડા થતા હતા.
ઘટનાના દિવસે અંકુરે પત્નીને જાણ કર્યા વગર દીકરીને તેના માતાપિતા પાસે ભારત મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે પત્નીને દીકરી મળવા માંગે છે એમ કહીને ઘરે બોલાવી હતી. પત્ની ઘરે આવી ત્યારે અંકુરે તેને ફરીથી સાથે રહેવા વિનંતી કરી, પરંતુ પત્નીએ સ્પષ્ટ ના પાડી દેતાં ઉશ્કેરાયેલા અંકુરે ચાકુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ અંકુર એપાર્ટમેન્ટમાંથી ગાયબ થઈ ગયો હતો. બાદમાં કોઈ પરિચિત વ્યક્તિ ઘરે આવતા તેણે પત્નીનો લોહીથી લથપથ મૃતદેહ જોયો હતો અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઍરપોર્ટ પરથી અંકુરની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન અંકુરે ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું હતું કે પત્નીને મારી નાખવાનો તેનો ઈરાદો ન હતો, પરંતુ પત્નીએ બીજા સાથી સાથે જ રહેવાની જીદ પકડી રાખતા તે ગુસ્સામાં આવી ગયો હતો અને આવેગમાં ચાકુના ઘા મારી દીધા હતા.