છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર રજનીબેન રાઠવાએ જીત મેળવી છે.
મતગણતરીના પરિણામ મુજબ ભાજપનાં રજનીબેન રાઠવાને 1,108 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 356 મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 326 મત મળ્યા હતા. રજનીબેન રાઠવા 752 મતની લીડથી વિજેતા થયાં હતાં.
વિજય બાદ રજનીબેન રાઠવાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે જનતાએ પોતાના પવિત્ર અને અમૂલ્ય મતથી તેમને વિજેતા બનાવ્યાં છે. તેઓ 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સૂત્ર સાથે આગળ વધશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ આ જીત અંગે જણાવ્યું હતું કે, લોકોએ રજનીબેન રાઠવાને જંગી બહુમતીથી વિજય અપાવીને ભાજપનાં વિકાસનાં કામો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું હતું.
પેટાચૂંટણીમાં વિજયની ઉજવણી દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, વિજેતા ઉમેદવાર રજનીબેન રાઠવા, નારણ રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકરોએ ટીમલીના તાલે જીતની ઉજવણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ મોખરે રહ્યું છે. વોર્ડ નંબર 1, 3, 5 અને 9માં ભાજપની પેનલનો વિજય થયો છે. જોકે વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ તૂટી છે. ત્યાં કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા બન્યા છે. આ વોર્ડમાં ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન નિશ્ચિત લાગી રહ્યું છે. બહુમત માટે જરૂરી 23 બેઠક ભાજપે મેળવી લીધી છે. અત્યાર સુધી જાહેર થયેલી 24માંથી 23 બેઠક પર ભાજપ જીત્યું છે.