છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી પર ₹2 કરોડથી વધુના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પુલ અધૂરો રહેતાં વાહનચાલકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પુલનું નિર્માણ કરતી વખતે નદીના પટની લંબાઈનો પૂરતો અંદાજ લેવામાં ન આવ્યો હોવાથી પુલની લંબાઈ ઓછી રાખવામાં આવી છે. પરિણામે પુલનો છેડો નદીના પટમાં જ પૂરો થાય છે. ચોમાસામાં નદીમાં પાણી ફરી વળતાં પુલનો એપ્રોચ રોડ ધોવાઈ જાય છે, જેના કારણે વાહનચાલકોને પુલ પર ચઢવા-ઊતરવામાં તકલીફ પડે છે.
મોધલા ગામના ખેડૂતોના ખેતરો નદીના સામેના કિનારે આવેલા છે. ખેડૂતો કપાસ, મકાઈ અને અન્ય પાક ટ્રેક્ટરમાં ભરીને ઘરે લઈ જાય છે ત્યારે પુલના ઢાળવાળા ભાગ પર ટ્રેક્ટર ચઢાવવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણી વખત ટ્રેક્ટર પાછળ સરકી જાય છે, જેથી ટ્રેક્ટર પલટી મારવાની ભીતિ રહે છે. ઉતરતી વખતે પણ ટ્રેક્ટરના પૈડા સ્લિપ થવાની સમસ્યા દુર્ઘટના સર્જી શકે છે.
આ પુલ બોડેલી અને નસવાડી તાલુકાના અનેક ગામોને જોડતા માર્ગ પર આવેલો હોવાથી અહીં વાહનોની અવરજવર વધુ રહે છે. આશરે 40 વર્ષ બાદ બનેલો આ પુલ ગામના લોકો માટે સુવિધા બનવો જોઈએ તેમ છતાં તે મુશ્લીનું કારણ બની રહ્યો છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર વારંવાર જણાવે છે કે અધિકારીઓની બેદરકારી કે ભૂલ હોય તો જાણ કરવી. પરંતુ છોટા ઉદેપુર જિલ્લામાં આ પ્રકારની ગંભીર ક્ષતિઓ સામે આવતી હોવા છતાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરવા પણ આવતા નથી.
હવે સવાલ એ ઊભો થાય છે કે ₹2 કરોડથી વધુના ખર્ચે બનેલા આ પુલની ખામીઓ માટે જવાબદાર કોણ? શું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે? અને ખેડૂતો તથા વાહનચાલકોની મુશ્કેલી દૂર કરવા પુલની લંબાઈ અને એપ્રોચ રોડનું યોગ્ય સમારકામ ક્યારે કરવામાં આવશે? સ્થાનિક લોકોની માગ છે કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે અને ખેડૂતોને સુરક્ષિત અવરજવરની સુવિધા આપે.