છોટા ઉદેપુર જિલ્લાનો ડોલોમાઇટ ઉદ્યોગ દિવાળીના તહેવારને લઈને ફરી સક્રિય થઈ ગયો છે. ગુજરાતનું સૌથી મોટું રંગોળી ઉત્પાદન કેન્દ્ર ગણાતા છોટા ઉદેપુરમાં દિવાળી નજીક આવતાં જ કામગીરી ઝડપી બની છે.
અહીં લગભગ 32 ડોલોમાઇટ પથ્થરની ખાણો અને 100 જેટલા કારખાના આવેલા છે. જમીનમાંથી નીકળતા સફેદ પથ્થરને દળીને પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડરમાંથી રંગોળી તૈયાર થાય છે. રંગોળી પાવડરનું મુખ્ય મટીરિયલ ડોલોમાઇટ પાવડર જ છે, જેની શુદ્ધતા 95% સુધીની હોય છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા આશરે 20 જેટલા યુનિટો ફક્ત રંગોળી બનાવવાનું કામ કરે છે. આ સમગ્ર ઉદ્યોગ પર 10,000થી વધુ મજૂરો અને કર્મચારીઓની રોજીરોટી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિર્ભર છે.
છોટા ઉદેપુરમાં બનતી આ રંગોળી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભરૂચ, વડોદરા અને અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, તેલંગણા, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સુધી સપ્લાય કરવામાં આવે છે. હાલમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત તમામ રાજ્યોમાંથી હજારો ટન રંગોળીના મોટા ઓર્ડર મળ્યા છે, જેને પહોંચી વળવા કારીગરો પૂરઝડપે કામ કરી રહ્યા છે.
જોકે, ગયા બે વર્ષ દરમિયાન ઈસી (EC) સર્ટીફિકેટ અને પુલ તૂટી જવાના પ્રશ્નોને કારણે આ ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મૂકાયો હતો. વર્તમાન તહેવારોની સીઝનમાં માંગ ફરી વધી છે, ત્યારે સ્થાનિક વેપારીઓની માંગ છે કે ખાણોને સમયસર મંજૂરીઓ મળે અને સારી રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય, તો આ ઉદ્યોગ ભવિષ્યમાં વધુ મોટા પાયે વિકસી શકે છે.