છોટા ઉદેપુર તાલુકાના પીપલેજ ગામ નજીક નવા વર્ષની પ્રથમ રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર અને સ્પ્લેન્ડર મોટરસાયકલ વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં બાઈક પર સવાર બે યુવકો અને ઈકો કારના ચાલકનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, ભૂમસવાડા ગામના મિનેશભાઈ નગીનભાઈ રાઠવા ઈકો કાર નંબર GJ 34 N 5868 લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમની કારની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 34 A 6668 સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલ પર સવાર કવાંટના વજેપુર ગામના 29 વર્ષીય અશ્વિન ગુરુજીભાઈ રાઠવા અને કવાંટના રાયછા ગામના 36 વર્ષીય હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ રણછોડભાઈ રાઠવા રોડ પર ફંગોળાઈ ગયા હતા. બંનેને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યાં હતાં.
બીજી તરફ, બાઈક સાથે અકસ્માત થયા બાદ ઈકો કાર ચાલક મિનેશભાઈએ કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા નજીકના ઝાડ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકો કાર ચાલક મિનેશભાઈ નગીનભાઈ રાઠવાને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લોહીલુહાણ હાલતમાં ઈકો ચાલકનો મૃતદેહ કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. ત્રણ એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
નવા વર્ષની શરૂઆતમાં જ આવી દુર્ઘટના સામે આવતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.